બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત
પડધરીના વિસામણ ગામે રહેતો યુવાન પોતાના ઘર સામે નદીમાં ન્હાવા પડતા ડૂબી ગયો હતો. પાણીમાં ગરકાવ થઈ ગયેલા યુવકનું કરૂણ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરી તાલુકાના વિસામણ ગામે રહેતા ગૌતમભાઈ ઉર્ફે દિલીપભાઈ દલાભાઈ રાઠોડ નામનો 37 વર્ષનો યુવાન બપોરના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘર સામે આવેલી નદીમાં ન્હાવા પડ્યો હતો.
નદીમાં ન્હાવા પડેલો યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. નદીમાં ડૂબી જતા યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. યુવાનના મૃત્યુથી કરૂણ કલ્પાંત સર્જાયો હતો. આ ઘટના અંગે જાણ થતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક ગૌતમ ઉર્ફે દિલીપ રાઠોડ એકની એક બહેનનો એકનો એક નાનો ભાઈ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે પડધરી પોલીસ મથકના એએસઆઈ બી.ડી. લાવડીયા સહિતના સ્ટાફે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.