અગાઉ પણ ક્રિકેટ અને ફૂટબોલ રમતા યુવાનોના મોત નિપજયા’તા: રમતવીરોમાં ફફડાટ
રાજકોટમાં થોડા સમય પહેલા જ ક્રિકેટ રમતી વેળાએ એક યુવાનનું અને ફૂટબોલ રમતી વેળાએ એક વિદ્યાર્થીને હૃદય બેસી જ્યાં મોત નિપજયાની ઘટના હજુ તાજી છે ત્યારે આજરોજ શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમ્યા બાદ બહાર ચા પાણી પીવા આવેલા યુવકને અચાનક હૃદય બેસી જતા મોત નિપજ્યું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ પાલનપુરના ડીસા ગામે રહેતા ભરતભાઈ રવજીભાઈ બારીયા નામના 40 વર્ષના યુવાન આજ સવારે શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતા. જ્યાં રમીને બહાર આવ્યા બાદ એકાએક યુવાન ઢળી પડતાં તેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મૃતક ભરતભાઈ બારીયા ત્રણ બહેનના એકના એક ભાઈ હતા અને ડીસાથી રાજકોટ રેલનગરમાં રહેતા ભાણેજ પ્રિતેશના ઘરે તેના લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા. ગઇ કાલે ભાણેજના લગ્ન થઈ ગયાં બાદ આજરોજ સાંજે રિસેપ્શન રાખ્યુ હતું. પરંતુ તે પહેલાં સવારે ભરતભાઈ મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયા હતા. જ્યાં ક્રિકેટ રમ્યા બાદ તેઓ ઢળી પડ્યા હતા અને મોત નિપજ્યું હતું.
થોડા દિવસો પહેલા જ શહેરના રેસકોર્સ ખાતે ક્રિકેટ રમતી વેળાએ એક યુવાનનું હૃદય બેસી જતા મોત નિપજ્યું હતું. આ સાથે મારવાડી કોલેજમાં ફૂટબોલ રમતી વેળાએ પણ એક વિદ્યાર્થીને હૃદય બેસી જતા મોત નિપજયાનું સામે આવ્યું હતું. ક્રિકેટ સાથે અન્ય રમતો રમતી વેળાએ વધતા જતા હૃદય બેસી જવાને કારણે મોતના બનાવના પગલે રમતવીરો ગભરાહટ જોવા મળી રહી છે.