ઉભા પાકને નુકશાન અટકાવવા રાખેલી વીજતારને અડી જતા યુવાનનું મોત : ખેડૂત અને ભાગીયા સામે નોંધાતો ગુંનો
ખેતરમાં ઉભા પાકને પશુથી બચાવવા માટે વાડીને ફરતે ઇલેક્ટ્રીક વાયર નાખેલ હોય છે. જે વીજ વાયરને જંગલી પશુ કે માણસ કોઇ પણ અડી જાય તો ઇલેક્ટ્રીક શોક લાગે છે અને જીવ ગુમાવવો પડતો હોય છે એવો બનાવ ધોરાજીના તોરણીયા ગામે બન્યો છે. વાડીમાં મજુર મગફળી ઉપાડતો હતો ત્યારે તે ઇલેક્ટ્રીક વાયરને ભૂલથી અડી જતા તેને શોક લાગતા તેનું મૃત્યુ થયું હતું. ધોરાજી પોલીસે વાડી માલિક અને ભાગીયુ રાખનાર શખ્સ વિરૂધ્ધ ગુંનો નોંધી, બંનેની શોધખોળ હાથધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ધોરાજી ગામે તોરણીયા ગામે હરસુખભાઇ ગોકળભાઇ ખીચડીયાની વાડી વાવવા માટે તેને તોરણીયા રહેતા જેન્તી કાળુભાઇ દેલવાડીયાને આપી હતી જ્યાં વાડીમાં તેને મગફળી વાવી હતી. જે મગફળી ઉપાડવા માટે તોરણીયા ગામે રહેતા અને મજૂરી કરી પેટીયું રળતા રમેશભાઇ બાઘાભાઇ વાઘેલા અને તેનો પુત્ર રાહુલ હસમુખભાઇની વાડીએ માંડવી ઉપાડવા ગયા હતાં ત્યારે તેમને વાડીમાં રહેતા જેન્તીભાઇને પૂછ્યું હતું કે તમે વાડીમાં ઇલેક્ટ્રીક શોક લાગે તેવા વાયર રાખ્યા નથી ને ? ત્યારે તેન કહ્યું હતું કે ના એવા કોઇ વાયર વાડીમાં છે નહીં. તેથી બંને વાડીમાં મગફળી ઉપાડતા હતા ત્યારે ખેતરના વચ્ચેના ભાગે ઇલેક્ટ્રીક પોલ નજીક પહોંચતા રાહુલગે મગફળીની સાથે ભૂલથી ઇલેક્ટ્રીક શોટવાળો વાયર પકડી લેતા તેને શોક લાગતા તેનું મૃત્યુ નિપજ્યું હતું.
વાડી માલિક હરસુખભાઇને બનાવની જાણ જેન્તી દેલવાડીયાએ કરતા તે બંને શખ્સોએ વાડીમાં રાખેલા ઇલેક્ટ્રીક શોટ મુકેલ લાકડાના ખાંભા તથા લોખંડના વાયરને સગેવગે કરી પૂરાવાનો નાશ કરી નાખ્યો હતો.
આ કરૂણ બનાવની ફરિયાદ મૃતક રાહુલના પિતા રમેશભાઇએ ધોરાજી પોલીસમાં નોંધાવતા ધોરાજી પી.એસ.આઇ. એચ.એ.જાડેજા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચી વાડીનું નિરિક્ષણ કરતા બંને શખ્સોએ પૂરાવાનો નાશ કર્યો હોવાનું તપાસ દરમ્યાન બહાર આવતા હરસુખ ગોકળભાઇ ખીચડીયા અને જેન્તી કાળુભાઇ દેલવાડીયા વિરૂધ્ધ મનુષ્ય શા અપરાધ અને પૂરાવાનો નાશ કરવાનો ગુ.હો. નોંધી બંનેની શોધખોળ હાથધરી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક રાહુલને બે બહેનો અને ત્રણ ભાઇઓ હતા અને જેમાં વધુ દુ:ખ જનક ઘટના છે કે રાહુલના બે મહિના પછી લગ્ન હતા એ પરિવારજનો તેની તૈયારી કરી રહ્યાં હતા. રાહુલના મોતથી વાઘેલા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.