ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પીઆઈના ડ્રાઈવર તરીકે ડયૂટી પૂરી કરી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દવા લેવા જતાં’તા અને રસ્તામાં જિંદગીની સફરનો અંત આવ્યો: પોલીસ અને પરિવારજનોમાં શોક છવાયો

શહેરના રેસકોર્સ પાસે આવેલા પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પોલીસ હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવતા કોળી પ્રૌઢ વહેલી સવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દવા લેવા જતા હતા તે દરમિયાન એરપોર્ટ ફાટક પાસે ચાલુ બાઈક પરથી ગબડી પડતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. પોલીસબેડા તથા પરિવારજનોમાં શોક છવાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પીઆઈના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ. અશ્ર્વિનભાઈ પોપટભાઈ મદ્રેસાણીયા (ઉ.૫૨) નામના કોળી પ્રૌઢ સવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા ત્યારે તબીયત બગડી જતા અને ચક્કર આવવા લાગતા પોતાના ડયુટી પુરી કરી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દવા લેવા જતા હતા ત્યારે એરપોર્ટ રોડ પર આવેલી અભિલાષા સોસાયટી પાસે ચાલુ બાઈકે પ્રૌઢને ચક્કર આવતા ગબડી પડ્યા હતા. માથાના ભાગે લોહીયાળ ઈજા થતાં ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ ઘવાયેલા જમાદારને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાંની સાથે જ એસીપી પી.કે.દિયોરા, પીઆઈ કે.એ.વાળા, પીએસઆઈ પટેલ, રાયટર હિરાભાઈ રબારી સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પરંતુ ફરજ પરના તબીબે મુળ વાંકાનેરના અશ્ર્વિનભાઈ મદ્રેસાણીયાને મૃતક જાહેર કરતા પોલીસ બેડામાં શોક છવાઈ ગયો હતો.

અશ્ર્વિનભાઈને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. પુત્ર વિશાલ ગેસ કંપનીમાં જોબ કરે છે અને દિકરીના લગ્ન થઈ ગયા છે. ખુબજ હસમુખા અને નિખાલસ સ્વભાવના કારણે બહોળુ પોલીસ મિત્ર વર્તુળ ધરાવતા હતા. હાલ એ.ડીવીઝન પોલીસ, પ્ર.નગર પોલીસ અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન બહુ જ સારી ચાહના મેળવી હતી. બનાવના પગલે અનમોલ પોલીસ મિત્રની ગુલાબ જેવી સુગંધ પોલીસ પરિવારમાં ઓસરી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.