- પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના ઘણા ભાગોમાં કાતિલ ઠંડીમાં લોકો ઠુંઠવાયા
- ઉત્તરના પહાડી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં પણ બે દિવસ માવઠાની આગાહી
દેશભરમાં શિયાળાની જમાવટ થઈ છે ત્યારે ખાસ કરીને ઉત્તર ભારતમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તરના રાજ્યોમાં ‘કોલ્ડ વેવ’ની સ્થિતિ છે, પણ શ્રીનગર અને શિમલામાં બરફવર્ષાના અભાવે પર્યટકો ‘વ્હાઇટ ક્રિસમસ’થી વંચિત રહ્યા હતા. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. દિલ્હીમાં ક્રિસમસના દિવસે મહત્તમ તાપમાન 22.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સીઝનની સરેરાશ કરતાં બે ડિગ્રી વધુ હતું. જ્યારે લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1.5 ડિગ્રી નીચું 8.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શ્રીનગરનું લઘુતમ તાપમાન -7.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જ્યારે હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પિતિમાં ટાબો સૌથી ઠંડું સ્થળ રહ્યું હતું. કાશ્મીરના મોટા ભાગના સ્થળોએ તીવ્ર ઠંડીની સ્થિતિ હતી. ઘણા વિસ્તારોમાં તળાવ, સરોવરો તેમજ પાણી પુરવઠાની પાઇપોમાં રહેલું પાણી થીજી ગયું હતું. હવામાન વિભાગે આગામી બે દિવસમાં કાશ્મીરના વિવિધ સ્થળે લઘુતમ તાપમાન 2-3 ડિગ્રી ઘટવાની આગાહી કરી છે. ગુલમર્ગ સિવાયના સ્થળોએ કાશ્મીર ખીણના અન્ય તમામ વિસ્તારોમાં રાતનું તાપમાન શૂન્યની નીચે સરક્યું હતું.કાશ્મીરમાં હાલ ‘ચિલ્લાઇ કલન’નો સમય ચાલી રહ્યો છે. 21 ડિસેમ્બરથી શરૂ થયેલા 40 દિવસમાં કાશ્મીરમાં કાતિલ ઠંડી પડે છે. હિમાચલ પ્રદેશમાં પણ ‘કોલ્ડ વેવ’ની સ્થિતિ છે. હવામાન વિભાગે રાજ્યના અમુક ભાગોમાં શુક્રવારે સાંજથી રવિવારની બપોર સુધી વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. રાજસ્થાનના ઘણા ભાગોમાં બુધવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. ઘણા ભાગોમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. પંજાબ અને હરિયાણામાં પણ તીવ્ર ઠંડીની ઝપટમાં આવ્યા હતા. બુધવારે ફરિદકોટમાં લઘુતમ તાપમાન 4.2 ડિગ્રી સેલ્સિયસ હતું. અમૃતસરનું લઘુતમ તપામાન 5.4 ડિગ્રી તેમજ ચંદીગઢનું તાપમાન 7.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉતરના પહાડી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
જસદણમાં ખેડૂતલક્ષી નિર્ણય: વાતાવરણમાં પલટો આવતા યાર્ડમાં ખુલ્લામાં જણસી નહિ ઉતારાય
ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધી શકે છે. પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણનાં કારણે તાપમાનમાં બદલાવ આવ્યો છે. તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું જોર વધ્યું છે. દરમિયાન રાજ્યમાં આગામી 2 દિવસ માટે કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર આજે અને આવતી કાલે કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે કેટલાક વિસ્તારોમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાઈ શકે છે.જેને લઇ હાલમાં જસદણ માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂતલક્ષી નિણઁય લેવામાં આવ્યો છે. યાર્ડમાં હાલ પૂરતી ખુલ્લામાં જણસી ઉતરવામાં નહિ આવે.