જનજીવન ખોરવાતા રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા ઉપવાસ આંદોલનની તૈયારી
માધાપર ચોકડીએ આવેલા સ્વામિનારાયણ મંદિર પાછળના વિસ્તારમાં સ્વચ્છ ભારત અભિયાનના લીરા ઉડી રહ્યાં છે. અહીં સ્વચ્છતાનો સત્યાનાશ વળી ગયો છે. માથુ ફાડી નાખે તેવી ગંદકી ઉપરાંત કાદવ-કિચડના કારણે જનજીવન ખોરવાઈ જતા રોષે ભરાયેલા સ્થાનિકોએ ઉપવાસ આંદોલન કરવાની તૈયારી કરી છે.માધાપર ચોકડી પાસે આવેલા સ્વામીનારાયણ મંદિર પાછળ ઘણા બધાં ફલેટ્સ આવેલા છે. તેમજ ૧૫ થી ૨૦ હજારની વસ્તી અહીં રહે છે. વરસાદના પગલે રસ્તાઓની હાલત ખરાબ છે તેમજ આવવા જવાનો રસ્તો પણ બંધ થતા તેમજ ત્યાં ખાડા ખોદાતા લોકોને આવવા-જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ ઉપરાંત અહીં ટુ-વ્હીલર તો ઠીક પરંતુ ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ વિસ્તારની સ્ત્રીઓને વારેવારે ઘરની વસ્તુઓ લેવા જવાનું હોવાથી આવવા-જવામાં પણ સમસ્યા પડી રહી છે. આ રોડ રસ્તાઓને લીધે ઘણીવાર વિવિધ રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી તેથી લોકોમાં રોષ જોવા મળ્યો છે. તેમજ આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે.