- ડીસીપી ક્રાઇમ- ઝોન 1 સહિતના અધિકારીઓ દોડી ગયાં : ક્રાઇમ બ્રાન્ચ સહીતની પોલીસે તપાસમાં ઝુકાવ્યું
રાજકોટની ભાગોળે આવેલા કુવાડવા અને હીરાસરની વચ્ચે આવેલી માધવ હોટેલન નજીકથી એક પરપ્રાંતિય શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહના માથાભાગે ઈજાના નિશાન મળી આવતા હત્યાની આશંકાએ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાની જાણ થતાં ડીસીપી ક્રાઇમ અને ઝોન-1 દોડી ગયાં હતા.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરની ભાગોળે આવેલા કુવાડવા અને હીરાસર ગામ વચ્ચે માધવ હોટેલ નજીકથી એક મૃતદેહ સવાર મના આશરે 8:20 વાગ્યાં આસપાસ મળી આવ્યો હતો. સ્થાનિકોએ આ બાબતે સરપંચને જાણ કરતા સરપંચે પોલીસને જાણ કરી હતી. જે બાદ કુવાડવા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક તબક્કે મૃતદેહના માથાના ભાગે ઇજાના નિશાન મળી આવતા પોલીસે મોતનું કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ આદરી છે.
હાલ મૃતકની ઓળખ મૂળ મધ્યપ્રદેશના પાકટીયા પાડવી ગેદરીયા ઉર્ફે વિનોદભાઈ (ઉ.વ. આશરે 36) તરીકે કરવામાં આવી છે. મૃતક યુવાન મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને મઘરવાડા ગામની સીમમાં આવેલ ખેતરમાં રહીને ખેત મજૂરી કરતો હતો. ખેત મજૂરી કર્યા બાદ પોતે પેટીયું રળવા સેન્ટ્રીંગ કામ કરતો હતો.
ગત સાંજે પણ ખેત મજૂરી કર્યા બાદ પોતે સેન્ટ્રીંગ કામ માટે જવા માટે નીકળ્યા બાદ આજે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક પોતે પરણિત છે અને સંતાનમાં બે પુત્ર હોવાના અહેવાલ છે. પ્રાપ્ત વિગત અનુસાર શ્રમિકનો પરિવાર અગાઉ સાથે જ રહેતો હતો પણ થોડો સમય પૂર્વે પરીવારને વતનમાં મૂકી આવ્યો હતો. મૃતક પાંચ ભાઈઓ પૈકી ચોથા નંબરનો હતો.
ઘટનાની જાણ થતાં ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર ઘટનાસ્થળે દોડી ગયાં હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જયારે ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે દોડી આવ્યા હતા. હાલ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હત્યા કે અકસ્માત? પોલીસે મોતનું કારણ જાણવા તપાસ આદરી
મૃતક યુવાનની હત્યા નીપજાવીને લાશ ફેંકી દેવામાં આવી આવી હતી કે પછી અકસ્માતમાં યુવાનનું મોત થયું છે તે જાણવા ક્રાઇમ બ્રાન્ચ સહીતની પોલીસે તપાસ આદરી છે. ઉલ્લેખનીય બાબત છે કે, મૃતક યુવાનના માથાના ભાગે ઇજાના નિશાન મળી આવતા હત્યાનો આશંકા છે. જો કે, હવે હકીકત પોલીસ તપાસમાં જ બહાર આવશે.
પોલીસે વાડી માલિક સહીતની પૂછપરછ શરૂ કરી : સીસીટીવીની ચકાસણી
પોલીસે આ બનાવમાં મૃતક જે વાડીમાં કામ કરતો હતો તે વાડીના માલિકની પૂછપરછ શરૂ કરી હતી. ઉપરાંત મૃતક જ્યાં સેન્ટ્રીંગ કામ કરવા જતો હતો ત્યાંના કર્મચારીઓ અને કોન્ટ્રાકટરની પૂછપરછ શરૂ કરી છે. ઉપરાંત જ્યાંથી મૃતદેહ મળી આવ્યો છે તે વિસ્તારના સીસીટીવી કેમેરાની પણ ચકાસણી શરૂ કરી છે.