નવા વર્ષના પ્રવેશ પાંચમાં-છઠ્ઠા સેમેસ્ટરના પરિણામના મેરીટના આધારે આપવામાં આવશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.એડ. પ્રવેશ સમિતિની બેઠક અને શિક્ષણ વિદ્યા શાખાની બેઠકમાં કરવામાં આવેલી ભલામણ અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટ કરેલા નિર્ણય મુજબ નવા વર્ષથી બી.એડ.માં પ્રવેશ માટે જે તે વિષયના પાંચમાં અને છઠ્ઠા સેમેસ્ટરના યુનિ.એ લીધેલા પરીક્ષાના પ્રાયોગિક વિષયો સિવાયના ગુણને આધારે મેરીટ તૈયાર કરીને પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એન.સી.ટી.ઈ. દ્વારા કરાયેલ નિર્ણય મુજબ સ્નાતકની પરીક્ષાના મેરીટને આધારે પ્રવેશ કાર્યવાહી કરવાની હોવાથી શિક્ષણ વિદ્યા શાખાએ ઉપરોકત નિર્ણય કર્યો હતો.
જેણે સૌરાષ્ટ્ર યુનિ.ની સિન્ડીકેટે મંજૂરી આપતા દર વર્ષે લેવાતી બી.એડ. પ્રવેશ પરીક્ષા આ વર્ષે રદ્દ કરવામાં આવી છે. મધ્યસ્થ પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ ફોર્મ બહાર પાડીને ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓના પરિણામને યુનિવર્સિટી દ્વારા સીધા જ પ્રવેશ સમિતિને આપવાના હોય છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા પહેલા પ્રવેશ કાર્યવાહી શરૂ કરી શકશે. આ વર્ષે વિદ્યાર્થીઓના પાંચમાં અને છઠ્ઠા સેમેસ્ટરના ગુણને ધ્યાને લઈ પ્રવેશ કાર્યવાહી કરવાની હોય વિદ્યાર્થીઓએ છઠ્ઠા સેમેસ્ટરમાં સારા ગુણ મેળવવા પડશે.
આ વર્ષે મધ્યસ્થ પ્રવેશ સમિતિ દ્વારા બી.એડ. અને એમ.એડ. માટે કોઈપણ જાતની પ્રવેશ પરીક્ષા લેવાની રહેશે નહીં. અંદાજે એપ્રિલના પ્રથમ પખવાડીયામાં પ્રવેશ માટેના ફોર્મ ઓનલાઈન ભરાવવાનું શરુ થનાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ માટે મોબાઈલ એપ્લીકેશન પણ તૈયાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાના પ્રવેશ માટેનું ફોર્મ મોબાઈલ એપ્લીકેશન દ્વારા ભરી શકશે. વિદ્યાર્થીએ જોડવાના પ્રમાણપત્રોનો ફોટો પાડી એપ્લીકેશન ફોર્મની સાથે અપલોડ કરી શકશે.
મધ્યસ્થ પ્રવેશ સમિતિ દ્વારા આથી જાણ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારની અનામતની બેઠક ઉપર પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ શકય હોય ત્યાં સુધી જરૂરી પ્રમાણપત્રો એકત્રીત કરી રાખવા. જેથી કરીને પ્રવેશ કાર્યવાહી શરૂ થાય ત્યારે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે નહીં.