સમગ્ર વિશ્વને અહિંસાબળમાં રહેલી અમોધશક્તિના દર્શન કરાવનાર યુગપુરૂષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી
કેટલીક વિશ્વવધ વિચક્ષણ ને વિરલ વિભૂતિઓના પગલા આ ધરતી પર એવા પડે છે કે તેને સમયરૂપી સમુદ્ર પણ ભૂસી શકતો નથી. ભારતની પ્રજા જેમને ‘યુગપુરુષ’, ‘રાષ્ટ્રપિતા’, ‘સાબરમતીના સંત’, ‘મહાન ફરિસ્તા’ તરીકે ઓળખે છે તે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે વિશ્વને ભારત તરફથી અપાયેલી વિશ્વ માનવ ની મહાન ભેટ! તેમને જન્મ આપીને તેમના ધર્મ પરાયણ માતા પૂતળીબાઈ જ નહીં, પરંતુ સ્વયં ભારતમા ધન્ય બની ગઈ છે. તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદરના દીવાનપદે હતા.
મુઠ્ઠી હાડકાના આ માનવીમાં એવી તો કઈ દૈવી શક્તિ હતી કે જેમના ‘સત્ય અહિંસા’ના શસ્ત્રો અને સાત – અહિંસક સત્યાગ્રહો આગળ બ્રિટિશ સરકારના તમામ શસ્ત્રો બુદ્દા થઈ ગયા એમના ચારિત્ર્યને પ્રતિભાથી પ્રભાવિત અનેક માનવ- વિભૂતિઓ તેમના વિશાળ પરિવારમાં ‘રત્ન’ સમી બની ગઈ! તેમણે વકીલાતની કમાણી છોડી દઈ ભારતની આઝાદીનું સબળ નેતૃત્વ લીધું. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ સામે સત્યાગ્રહ આદર્યો. ત્યાંના લોકોને થતો અન્યાય દૂર કર્યો. સ્ત્રીશિક્ષણ, અસ્પૃશ્યતા નિવારણ, નિરક્ષરતા નિવારણ, કુરિવાજો, દારૂબંધી, ગ્રામોદ્ધાર, દલિતોદ્ધાર, સ્ત્રીસ્વાતંત્ર્ય જેવા એ સમયના અનેક પ્રશ્નો સામે ભારે લડત ઉપાડી. જીવન જીવવાની એક નવી જ વ્યવહારુ રીત
તેમણે આચરી બતાવી. બાપુએ સમગ્ર વિશ્વનું ધ્યાન દોર્યું પોતાના અસાધારણ કાર્યોથી. 1917માં તેમણે ચંપારણ સત્યાગ્રહ કર્યો. 1922માં તેમણે અસહકાર આંદોલન ચલાવ્યું અને ગિરફતાર થયા. 1930માં સવિનય કાનૂનભંગ કર્યો અને દાંડી સામે પહોંચવા 12મી માર્ચે સાબરમતી આશ્રમથી દાંડી કૂચ આરંભ કરી. 5 મી એપ્રિલે દાંડી ગામે પહોંચી, છઠ્ઠી એપ્રિલે સવારે દરિયાકિનારે જઈ ચપટી મીઠું ઉપાડીને “નમક કા કાનુન તોડ દિયા” કહી અંગ્રેજ સરકારની ઇમારતને લૂણો લગાડ્યો. 1942માં હિંદ છોડો ચળવળ જગાડી. આ અને આવા અનેક અસાધારણ કાર્યો બાપુએ જનકલ્યાર્થે કર્યા.
ભૂલોની જાહેરમાં કબૂલાત કરી તેને સુધારવા મથતા આ મહામાનવે પોતાના જીવનની સોનેરી- પ્રેરક સંદેશની બાયોગ્રાફી સત્યના પ્રયોગ અથવા આત્મકથા નામે પ્રસિદ્ધ કરી. આજે વિશ્વનું આ અમૂલ્ય નજરાણું વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદિત થઈ લાખો આવૃત્તિઓ ધરાવે છે. આ પુસ્તક દરેક બાળક અને શિક્ષક – વાલીઓએ અચૂક વાંચવું જોઈએ.
ખુલ્લા મનના સત્યશોધકને છાજે એવી નમ્રતા સાથે વિનોદવૃત્તિ પણ તેમના સ્વભાવમાં જોવા મળે છે. તેમનું જીવન સાદગી, સંયમ, ચોકસાઈ, ચીવટ, સ્વચ્છતા, નિયમિતતાથી ઓપતું હતું. બાપુ જાતમહેનતમાં જ માનતા અને કહેતા, “જાત મહેનત સિવાય નો રોટલો ખાવાનો કોઈને અધિકાર નથી.” તેઓ સમય પાલનના ચુસ્ત આગ્રહી હતા. પોતાના સમયપત્રકમાં તેઓ કયારેય ફેરફાર કરતા ન હતા ને કોઈનેય એમ કરવા દેતા ન હતા. નાનપણમાં કસરત પ્રત્યે તેઓને અણગમો હતો પરંતુ જીવનભર તેઓ નિયમિતપણે સવાર-સાંજ ચાલવા તો જતાં જ. નિયમિત રીતે રેંટિયો કાંતતા. બાળકો તેમને ખૂબ પ્રિય હતા.
‘મારું જીવન એ જ મારો સંદેશ છે’ એવું કહી શકનારા ગાંધીબાપુએ સાબરમતી અને વર્ધામાં આશ્રમો સ્થાપી દેશસેવકો તૈયાર કર્યા, ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને તેમજ ભાવનાઓને પુનજીર્વિત કર્યા. તેઓ સ્વદેશી ચીજોના ભારે હિમાયતી હતા. તેમણે અનેકવાર જેલવાસ વેઠયો, આમરણાંત ઉપવાસ કર્યા, ગરીબોની હાલત નિહાળી પોતાના દેહ પર વસેલું ખાદીનું માત્ર એક કાપડ જ આજીવન ધારણ કર્યું. ખાદી, ચરખા દ્વારા સ્વાવલંબી થવાનો સંદેશ આપ્યો. તેઓ જીવનનાં ડગલે ને પગલે જે કાંઈ માનતા તેને આત્મકથા જ આચરણમાં ઉતારતા અને બીજાઓ પ્રત્યે હંમેશા ઉદારતા બતાવતા.
તેમણે ‘હરિજનબંધુ’, ‘યંગ ઇન્ડિયા’, ‘લોકજીવન’ જેવા સામયિકો દ્વારા પ્રજાને જાગૃત કરી પ્રેરણાદાયી સંદેશ મુક્યો. સાહિત્યકાર તરીકે તેમણે પોતાની આગવી મુદ્રા માતૃભાષા ગુજરાતી સાહિત્યમાં ઉપસાવી. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત ‘સાથ જોડણીકોશ’એ ગુજરાતી ભાષાને તેમનું મહત્વનું પ્રદાન છે.
સરસ્વતી સ્કૂલના સંચાલકો પ્રદિપભાઇ ખીમાણી, જગદીશભાઈ ખીમાણી, નરેશભાઈ ખીમાણી, રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીએ વધુમાં જણાવ્યું છે કે તેઓ 1869ના ઓક્ટોબર માસની બીજી તારીખે અવતરણ પામેલા સ્વાતંત્ર્યસંગ્રામના ‘સપૂત’ ગાંધીજીને તા. 30 જાન્યુઆરી, 1948ના દિવસે નથુરામ ગોડસેએ દિલ્હીની પ્રાર્થનાસભાના પવિત્ર વાતાવરણમાં ગોળીઓથી વિંધી નાખ્યા…..! હે રામા બોલી તેઓ ત્યાં જ ઢળી પડ્યા, મરીને અમર થઈ ગયા. જ્યાં સુધી આભ અને અવનીમાં સૂર્ય, ચંદ્ર અને સિતારાઓ ઝગમગતા રહેશે ત્યાં સુધી ‘બાપુ’નું નામ રોશન રહેશે. તેઓ વ્યક્તિ નહીં વિભૂતિ હતા, પુરુષ નહીં પરમહંસ હતા, માનવ નહીં માનવેન્દ્ર હતા. જીવન એ તેમની મહત્તાનું કાવ્ય હતું. મૃત્યુ એ તેમની મહત્તાનું મહાકાવ્ય બન્યું.
સમગ્ર વિશ્વને એમણે સત્ય, અહિંસા, ન્યાય અને વિશ્વપ્રેમનો રાહ બતાવ્યો. એમના કાર્યો આપણને હંમેશા પ્રેરણા આપતા રહેશે. તેઓ ભારતના માત્ર રાષ્ટ્રપિતા નહોતા, પરંતુ ભારત જેવા મહાન લોકશાહી દેશની એક સાંસ્કૃતિક ઘટના હતા. તેમનામાં કૃષ્ણ, બુદ્ધ, ઇસુ અને મહાવીરનો સમન્વય થયો હતો. આમ, તેઓ સત્યના સાધક, અહિંસાના ઉપાસક અને કરુણાના કર્મયોગી હતા.
ગાંધી જયંતીની ઉજવણીમાં ગાંધીજીના આદર્શોને સિદ્ધાંતોનો કોઈ પણ રીતે ભંગ ના થાય તેની કાળજી લઇ ગાંધી જયંતિએ બમણું કામ કરો, દુ:ખીઓના દુ:ખ સાંભળી તેને હળવા કરો, અન્યાયનો પ્રતિકાર કરો, ગામો-શેરી-પોળો-સેક્ટરો, નગરો સ્વચ્છ રાખો, ભૂખ્યા-શોષિત પીડિતોના આંસુ લૂછો, સાચુ બોલો, અબોલા તોડો, હળીમળીને પ્રેમથી જીવો, ગાંધીજીએ ચીંધેલ માર્ગે ચાલો, બાપુના જીવનમાંથી પ્રેરણા લો તો જ આ દિનની ઉજવણી સાર્થક થઇ ગણાશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ પોતાના અનેક નિર્ણયો મહાત્મા ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈને કર્યા છે.