જળ બંબાકાર જેવી સ્થિતી: 24 કલાકમાં 135 તાલુકાઓમાં વરસાદ: સવારથી 41 તાલુકામાં મેઘ મહેર

જામનગરના જોડિયામાં આજે સવારે જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ માત્ર ચાર કલાકમાં સાંબેલાધારે છ ઇંચથી વધુ વરસાદ વરસી જતા સમગ્ર જોડિયામાં પાણી-પાણી થઇ ગયું હતું. આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

આજે સવારે જામનગર જિલ્લાના જોડિયામાં 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના સમયગાળામાં અનરાધાર છ ઇંચથી પણ વધુ વરસાદ વરસી ગયો હતો. ગામમાં જાણે નદી વહેતી હોય તે રીતે પાણી વહેવા લાગ્યા હતા. નદીઓમાં પૂર આવી ગયા હતા. સમગ્ર પંથકમાં પાણી-પાણી જેવી સ્થિતી સર્જાય હતી. નવસારીના ગણદેવીમાં પણ સવારે બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે ચીખલીમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.

સવારથી 25 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 135 તાલૂકાઓમાં વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં આજ સુધીમાં ચાલુ વર્ષ ચોમાસાની સિઝનનો કુલ 79.80 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં 77.84 ટકા, ઉત્તર ગુજરાતમાં 64.26 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 72.20 ટકા, સૌરાષ્ટ્રમાં 90.14 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 79.63 ટકા વરસાદ વરસી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.