નગરપાલિકા વિસ્તારની રપ પ્રાથમીક શાળાઓમાં ૯૫ સ્માર્ટ કલાસરૂમ તૈયાર કરાયા, હવે છાત્રો ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ વડે સરળતાથી શિક્ષણ મેળવશે: રાજકોટ તાલુકાની ૮૮ શાળાઓમાં શિક્ષકો અને વિઘાર્થીઓની હાજરી પુરવા ફેઈસ રિડર બાયોમેટ્રીક મશીન મુકાયા
સમાજના ઉત્થાન માટે શિક્ષણ મહત્વનો ભાગ ભજવતું હોવાથી ડીડીયો અનિલ રાણાવસીયાએ જિલ્લાની સરકારી પ્રાથમીક શાળાઓનું સ્તર વધુ ઉંચુ લઇ જવા પર ભાર મુકયો
સમાજના ઉત્થાન માટે શિક્ષણ સૌથી મહત્વનો ભાગ ભજવતું હોય છે. સમાજ સઁપૂર્ણ શિક્ષિત થાય તો અનેકવિધ પ્રશ્ર્નો આપોઆપ દુર થઇ શકે છે માટે જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ પ્રાથમીક શિક્ષણ ઉપર વધુ ભાર મુકીને સરકારી શાળાઓને ખાનગીથી પણ ચડીયાતિ બનાવવાની કવાયત હાથ ધરી છે. જેમાં તેઓએ શિક્ષણ સમિતિ અને શિક્ષણ વિભાગનાં અધિકારીઓના સહકારની ૯૫ સ્માર્ટ કલાસ રૂમ તૈયાર કરાવ્યા છે. ઉપરાંત ૮૮ શાળાઓમાં ફેસ રિડર બાયોમેટ્રિક મશીન મુકાવ્યા છે.
રાજકોટ જીલ્લાની પ્રાથમીક શાળાઓનું સ્તર ધીમે ધીમે સુધરી રહ્યું છે. દર વર્ષે હજારોની સંખ્યામાં બાળકો ખાનગી શાળાઓ છોડીને સરકારી પ્રાથમીક શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે. વધુમાં આ પ્રાથમીક શાળાઓ હવે ખાનગી શાળાઓથી પણ ધીમે ધીમે આગળ નીકળી રહી છે. ત્યારે જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ શિક્ષણ ઉપર વિશેષ ભાર મુકીને ભુતકાળમાં પણ અનેકવિધ સરાહનીય નિર્ણયો લીધા છે. ઉપરાંત તાજેતરમાં તેઓએ બાળકો ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ વડે સરળતાથી શિક્ષણ મેળવતા થાય તેવા આશયથી સ્માર્ટ કલાસરુમ તૈયાર કરવાનું નકકી કર્યુ હતું.
જીલ્લા શિક્ષણ સમીતીનાં ચેરમેન નાથાભાઇ મકવાણા, સભ્ય નિલેશભાઇ વિરાણી, ધ્રુપદબા જાડેજા તેમજ જીલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારી એમ.જી.વ્યાસ અને નાયબ જીલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારી કીરીટસિંહ પરમારની જહેમતથી આજે ૯૫ સ્માર્ટ કલાસરુમ તૈયાર થઇ ગયા છે. આગામી ર૬મી જાન્યુઆરીના રોજ તેનુ લોકાપર્ણ પણ કરવામાં આવનાર છે.
આ અંગે નાયબ જીલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે જણાવ્યું કે ગરીબ અને છેવાડાના બાળકોને પણ ટેકનોલોજીનું શિક્ષણ મળે તેવા જીલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે હાલ સફળ નિવડી રહ્યા છે. ધોરાજી અને જેતપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલી રપ પ્રાથમીક શાળાઓના ધો. ૪ થી ૮ ના વર્ગોમાં જીલ્લા પંચાયત દ્વારા ૯૫ સ્માર્ટ કલાસરુમ તૈયાર કરવામાં આવ્યા છે. કુલ ૨.૨પ કરોડના ખર્ચે આ કલાસરુમ તૈયાર થયા છે. બાળકોને મહત્તમ ટેકનોલોજીના ઉપયોગ સાથે ખુબ સરળતાથી આ કલાસરુમમાં શિક્ષણ આપી શકાશે.
વધુમાં તેઓએ જણાવ્યું કે જીલ્લા પંચાયત દ્વારા રાજકોટ તાલુકાની ૮૮ પ્રાથમીક શાળાઓમાં રૂ ૨૧ લાખના ખર્ચે બાળકો અને શિક્ષકોની હાજરી પુરવા માટે ફેસરીડર બાયોમેટિક મશીન મુકવામાં આવ્યા છે. આમ, જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સરકારી શાળાઓનો વ્યાપ વધારવા માટે સતત પ્રયાસો ચાલુ છે.