ગ્રામ પંચાયતના રેકર્ડમાં છેડછાડ અને વિકાસના કામો અટકાવવા બદલ લીધું પગલું
કોટડાસાંગાણીના રામોદ ગામના ઉપસરપંચને ગ્રામ પંચાયતના રેકર્ડમાં છેડછાડ કરવા બદલ ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરાયા છે. રામોદના ઉપસરપંચ મનસુખભાઈ ગજેરા દ્વારા ગ્રામ પંચાયતના રેકોર્ડમાં છેડછાડ તેમજ ઉપસરપંચ દ્વારા ગ્રામ પંચાયતના અધ્યક્ષ સ્થાને મીટીંગ લીધેલી હોય તેમજ વિકાસના કામોમાં અટકાવવા સહિતના મુદે રામોદના સરપંચ દ્વારા ડીડીઓને રજુઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને ટીડીઓ પાસેથી તપાસ કરાવી જવાબ મંગાયો હતો. જે તપાસમાં ફલિત થયેલ કે રામોદ ગ્રામ પંચાયતમાં સરપંચ રજા પર ન હોવા છતાં ઉપસરપંચની સહીથી પંચાયતની સભાની એજન્ડા બહાર પાડવામાં આવેલ તેમજ તેમના દ્વારા તલાટી મંત્રીને મંજુર થયેલ કામો ટકાવી દેવા રજુઆત કરેલ હતી. ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૭ (૧)ની જોગવાઈ હેઠળ તેમને ઉપસરપંચ તેમજ સભ્યપદના હોદા પરથી દુર કરાયા છે.