પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ યોજનાની કામગીરીમાં ગેરહાજર રહેવા બદલ તલાટીઓને સસ્પેન્ડ કરાયા બાદ જિલ્લાનું તલાટી મંડળ આકરા પાણીએ થતા ડીડીઓએ નમતુ જોખ્યું
પ્રધાનમંત્રી કિશાન સન્માનનિધિ યોજનાની કામગીરીમાં ગેરહાજર રહેવા બદલ ત્રણ તલાટીઓને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા હતા. બાદમાં ડીડીઓનું આ પગલુ અયોગ્ય હોવાનું જણાવી રાજકોટ જિલ્લા તલાટી મંડળ આકરા પાણીએ થતાં ડીડીઓએ નમતુ જોખીને ત્રણેય તલાટીઓના સસ્પેન્શન ઓર્ડર રદ્દ કર્યા છે.
તાજેતરમાં ન્યારા ગામના તલાટી મંત્રી એસ.બી.મહેતા, ગોંડલના તલાટી મંત્રી બી.વી.બોરીચા અને વિરપુરના તલાટી મંત્રી જયદીપ ગઢવીને પ્રધાનમંત્રી સન્માનનિધિ યોજનાની કામગીરીમાં ગેરહાજર રહેવા બદલ નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસના પગલે ન્યારાના તલાટી એસ.બી.મહેતાએ અધિકારીઓના ચેકિંગ સમયે તેઓ મામલતદાર કચેરીએ કામગીરી સબબ ગયા હોવાનો પુરાવો આપ્યો હતો. જયારે ગોંડલના બી.વી.બોરીચાએ પણ હોસ્પિટલના કામ સબબ બહાર ગયા હોવાનો પુરાવો રજૂ કર્યો હતો. આમ છતાં ત્રણેય તલાટીઓને ગેરહાજર રહેવા બદલ ડીડીઓએ સસ્પેન્ડ કર્યા હતા.
સસ્પેન્ડ કરવાના આ પ્રકરણમાં રાજકોટ જિલ્લા તલાટી મંડળ મેદાને આવતા ડીડીઓએ નમતુ જોખીને ત્રણેય તલાટીઓના સસ્પેન્સન ઓર્ડર રદ્દ કર્યા છે. આ સાથે રાજકોટ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ હરદાસભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા બે વખત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ સમયે કલેકટર કચેરીના ૧૨ તેમજ જિલ્લા પંચાયતના ૨૨ કર્મચારીઓ ગેરહાજર રહેતા તેઓને નોટિસ ફટકારી ખુલાસાઓ પુછવામાં આવ્યા હતા. આ તમામને સસ્પેન્ડ ન કર્યા જયારે ત્રણ તલાટી મંત્રીને સીધા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા જે યોગ્ય નથી. આમ તલાટી મંડળ આકરા પાણીએ થતાં જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્શનનો ઓર્ડર પાછો ખેંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.