હળવદ પંથકના વતની ડીસીપી ડો.રાજદીપસિંહ ઝાલાએ અમદાવાદના સાઈબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટમાં પોતાની આગવું સૂઝબુઝથી અનેક પેચીદા કેસો ઉકેલીને પોતાની મહત્વકાંક્ષા સાબિત કરી છે. જેની નોંધ લઈને કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે તેઓને ઇ- રક્ષા એવોર્ડ એનાયત કર્યો છે અને આગામી તા. ૧૨ના રોજ તેઓને આ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે.

હળવદ તાલુકાના માથક ગામના વતની અને અમદાવાદ સાયબર ક્રાઈમ વિભાગમાં ડીસીપી તરીકે ફરજ બજાવતા ડો. રાજદીપસિંહ એન. ઝાલાને આગામી તા.૧૨ના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા ઇ-રક્ષા એવોર્ડથી સન્માનિત કરાશે. માથક ગામમાં રહેતા અને આર.પી.પી. સ્કૂલના નિવૃત શિક્ષક એન.સી.ઝાલા સાહેબના જ્યેષ્ઠ પુત્ર રાજદીપસિંહ તબીબ બન્યા અને ત્યારબાદ ૠઙજઈની પરીક્ષા ઉત્તીર્ણ કરી ડી.વાય.એસ.પી તરીકે ગુજરાતના અલગ અલગ સ્થળે પોતાની ફરજ બજાવી અને ત્યારબાદ પ્રમોશન મળતા ડી.સી.પી બન્યા અને અમદાવાદ સાયબર ક્રાઈમ વિભાગમાં ડીસીપી તરીકે ચાર્જ સાંભળ્યો હતો.

હાલ તેઓ ગુજરાતભરમાં બનતા સાયબર ક્રાઈમના કેસો ખૂબ જ કુનેહ પૂર્વક ઉકેલી અને સાયબર ક્રાઈમ રેટ ઘટે તે માટે પોતે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા આગામી ૧૨ તારીખે ડો. રાજદીપસિંહ ઝાલાને ઇ-રક્ષા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે ત્યારે હળવદ તાલુકા અને ઝાલાવાડ પંથકનું નામ રોશન કરવા બદલ હળવદ તાલુકાના નાગરિકો ખૂબ જ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે આ તકે હળવદના લોકો ડો. રાજદીપસિંહ ઝાલાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.