ભારત માટે મોદીના ગ્રહ યોગ હવે મુશ્કેલીમાં જઈ રહ્યાં હોય તેમ આવતા દિવસો કટોકટીના બને તેવા એંધાણ
પહેલો સગો પાડોશી… ભારતના પૂર્વ વડાપ્રધાન કવિ હૃદય સ્વ.અટલ બિહારી વાજપાઈએ ભારતના પડોશી રાષ્ટ્ર સાથેના સંબંધોની લેણાદેણી વખતે પાકિસ્તાનના પરિપેક્ષ્યમાં કહ્યું હતું કે, માણસનું દરેક વાતમાં ધાર્યું થાય પણ એક વાતમાં તે પોતાનું ધાર્યું કરી શકતો નથી. આ અણધારી પરિસ્થિતિમાં આપણે આપણા પડોશીની પસંદગી આપણી પસંદગીથી કરી શકતા નથી. પડોશી સારો હોય કે ખરાબ જેવો હોય તેવો ચલાવી જ લેવો જોઈએ.
વિધાતાએ ભારતના કર્મ લેખમાં પડોશનું સુખ લખ્યું જ ન હોય તેમ આઝાદીના પ્રથમ દિવસથી જ ભારત માટે શરદર્દ બનીને અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાન જેવા પડોશીઓ હંમેશા ભારતની વ્યાધી વધારનારા સાબીત થયા છે. એક તરફ પાકિસ્તાન બીજી તરફ ચીન તેમ બન્ને પડોશીઓની મિત્રતા સાથે જોડાયેલા દુશ્મના કા દોસ્ત દુશ્મન જેવી પરિસ્થિતિને લઈ ભારતને હંમેશા પડોશીઓથી જ સવિશેષ સાવધ રહેવું પડે છે.
ભારતના પડોશી શત્રુયોગને લઈને આરંભથી જ દેશની વિદેશ નીતિમાં સતર્કતાની જરૂર રહે છે. ભારત પોતાના વિદેશ સંબંધોમાં પાડોશીના શત્રુત્વનો મુદ્દો કેન્દ્ર સ્થાને રાખવા મજબૂર થયું છે. અત્યાર સુધી ભારતના સંબંધો રશિયા સાથે સુમેળભર્યા રહ્યાં હતા. સોવિયત સંઘ રશિયાની જ્યારે જગતમાં હાક વાગતી હતી ત્યારે ભારત, રશિયા અને સાથી મિત્રોની ધરી એશિયા ઉપખંડમાં પણ ભારત સામે ચીન જેવા સામ્રાજ્યવાદી અને પાકિસ્તાન જેવા દુશ્મનો આંખ ઉઠાવીને જોઈ શકતા નહોતા. હવે પરિસ્થિતિ બદલાઈ છે. રશિયાના ભાગલા બાદ અમેરિકાના વધતા જતાં પ્રભાવને લઈને ભારત સહિતના અનેક દેશોના આંતરરાષ્ટ્રીય સંબંધો અને પ્રભુત્વમાં ધડમુળમાંથી ફેરફાર થયા છે. ભારત માટે સુરક્ષાની સાથે સાથે શત્રુઓને દાબમાં રાખવા પણ અનિવાર્ય છે ત્યારે ભૌગોલીક રીતે અફઘાનિસ્તાન સાથેના સંબંધો ભારત માટે અતિ મુલ્યવાન ગણાય છે. અત્યારે અમેરિકાએ તાલીબાનો સામે ઉતારેલા સૈન્ય 1લી મે થી પાછું ખેંચાવાની જાહેરાત અને તાલીબાનો સામે અમેરિકાના પારોઠના પગલા ભારત માટે ચિંતાનું કારણ બની રહ્યાં છે.
- વડાપ્રધાન મોદીની વિદેશ નીતિમાં અફઘાનિસ્તાનનું સવિશેષ મહત્વ, શપથવિધિમાં અફઘાનિસ્તાનના પ્રમુખને આમંત્રણ આપી
ભારતની બદલાયેલી નીતિનો પરિચય કરાવ્યો હતો - ભારત-અફઘાનિસ્તાન-ઈરાન રોડ કોરીડોર પ્રોજેકટ માટે નીતિન ગડકરી માટે અગત્યનો પ્રોજેકટ બન્યો
- અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલીબાનોને છુટા મુકી ભારતની મુશ્કેલી વધારી
- 1લી મે થી અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના દળોની ઘરવાપસી ભારત માટે ખતરાની ઘંટડી
- તાલીબાનો, પાક. આતંકી અને કેનેડાના ખાલીસ્તાનીઓ ભારત માટે સંકટ બની શકે
- ભારતના વેપાર અખાતના દેશોના સીધા સંપર્ક માટે પાકિસ્તાનને બાયપાસ કરી ભારત-અફઘાન કોરીડોર ભારત માટે મહત્વનું બની રહેશે
- પાકિસ્તાનના ગ્વાદર બંદર પર ચીનના કબજા સામે ભારતે ઈરાનનું ચાબહાર બંદર હસ્તગત કર્યું
- અમેરિકા પરોક્ષ રીતે ભારતના ગદ્દારો માટે દોસ્ત બની ભારત માટે મોટી મુશ્કેલી સર્જશે ?
- ભારતની વિદેશ નીતિ હંમેશા રશિયા તરફી રહી, ઈન્દિરા ગાંધી ક્યારેય અમેરિકાનો ભરોસો કરતા નહીં
- ભારતનું લોકતંત્ર માટે અફઘાન સાથે વિશ્ર્વાસપાત્ર સંબંધ અનિવાર્ય: ભારત વિરોધી તત્ત્વ કંદહાર પ્લેન હાઈજેક જેવા કોઈપણ કાવત્રામાં અફઘાનની ભૂમિનો ઉપયોગ કરી શકે
અફઘાનિસ્તાન ભારત માટે સંરક્ષણ અને વેપારી સંબંધો માટે વર્ષોથી એક મહત્વનું રાષ્ટ્ર બની રહ્યું છે. મોટાભાગે અંધાધૂંધી અને આંતરિક વિગ્રહમાં ફસાયેલા રહેતા અફઘાનિસ્તાનમાં લોકતંત્રની બહાલી અને માનવ અધિકારોનું જતન કરવાની ભારતના પડોશી ધર્મ અફઘાનિસ્તાનને ભૂતકાળમાં પણ ખૂબજ ફાયદો કરાવનારૂ બની રહ્યું હતું. સંયુક્ત સોવીયત રશિયાના યુગમાં ભારત હંમેશા અફઘાનિસ્તાનને મદદ કરવા તત્પર રહેતું હતું પરંતુ એશિયા પર પગપેશારો કરવાના આશયથી અમેરિકા સહિતની મહાસતાનો ડોળો હંમેશા ધણીધોરી વગરના ગણાતા અફઘાનિસ્તાન પર રહેતો હતો. તાલીબાનોના ઉપદ્રવને ડામવાના નામે અમેરિકાએ પોતાના દળો અને નાટોનું સૈન્ય અફઘાનિસ્તાનમાં ઉતારીને પરોક્ષ રીતે પોતાનો પગપેસારો એશિયામાં થઈ રહે તેવી કુટનીતિ અમેરિકાએ અપનાવી હતી. પરંતુ અફઘાનિસ્તાનમાં અમેરિકાની કારી ફાવી નથી અને 1લી મે થી દળો પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.
હવે અફઘાનિસ્તાનમાં તાલીબાનોના શાસનને અમેરિકાએ પરોક્ષ રીતે સમર્થન આપી દીધું છે અને ભારત માટે મુશ્કેલી ઉભી કરી છે. તાલીબાનો, પાકિસ્તાનના આતંકીઓ અને કેનેડામાં રહી ભારત વિરોધી ખાલીસ્તાની પ્રવૃતિ કરતા ગદ્દારોની એક ધરી ભારત માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. અફઘાનિસ્તાન મુદ્દે અમેરિકાની કુટનીતિમાં ભારતના અમેરિકા તરફી ઝુકાવ લાભના બદલે નુકશાનનું કારણ બની રહે તેવા સંજોગો અને વડાપ્રધાન મોદીની અમેરિકા સાથેની દોસ્તી સરકાર માટે કપરા દિવસોનું કારણ બની રહે તેવા સંજોગો ઉભા થયા છે. અફઘાનિસ્તાનમાંથી સૈન્ય દળ હટાવી લઈને તાલીબાનોને છુટોદોર મળી જશે અને ભારત જ નહીં સમગ્ર એશિયામાં તાલીબાનો અને તેમના સમર્થીત આતંકીઓ અને લોકતાંત્રીક વિરોધી પરિબળો એક જૂટ થઈને ભારત માટે મોટી મુશ્કેલીનું કારણ બની રહેશે તેવા સંજોગોમાં આવનાર દિવસોમાં ભારત માટે મિત્ર બની રહેતું અફઘાનિસ્તાન ભારતના ગદ્દારોને પોસ્તી ભુમી બની રહે તેવું દેખાઈ રહ્યું છે.
અફઘાનિસ્તાન ભારત માટે ખુબજ મહત્વનું રાષ્ટ્ર અને પડોશી દેશ તરીકે કામ આવી શકે તેમ છે. અફઘાનિસ્તાનની ખેતી અને વિકાસની રહેલી તકો ખનીજ સંપતિ અને વેપાર-વ્યવહારની સાથે સાથે સુરક્ષાની દ્રષ્ટિએ અફઘાનિસ્તાનની લોકશાહી ભારતની સરહદીય સુરક્ષા અને પાકિસ્તાન જેવા દુશ્મનો પર ચાંપતી નજર રાખવા માટે મહત્વની છે.
વડાપ્રધાન મોદી જ્યારે પ્રથમ વખત સત્તા પર આવ્યા ત્યારે મોટા રાષ્ટ્રોના પદાધિકારીઓના બદલે તેમણે પોતાના શપથવિધિ સમારોહમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્ર પ્રમુખને મુખ્ય મહેમાન તરીકે આમંત્રીત કરી અફઘાનિસ્તાનનું મહત્વ અને બદલાયેલી વિદેશ નીતિનો પરિચય આપ્યો હતો. બીજી તરફ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ સત્તામાં આવતાની સાથે જ ભારત-અફઘાન-ઈરાન કોરીડોર માટે ભંડોળ ફાળવીને પાકિસ્તાનને બાયપાસ કરી ભારત-ઈરાન વાયા અફઘાન કોરીડોર માટે અગ્રતા આપી હતી. પાકિસ્તાને ગ્વાદર બંદર ચીનના હવાલે કર્યું તેની સામે ભારતે ઈરાનના ચાબહાર બંદરના વિકાસની સાથે સાથે અફઘાનિસ્તાનને જોડતો રોડ કોરીડોરના પ્રોજેકટથી ભારતને વિશ્ર્વ વેપાર અને વહાટવટાનું કેન્દ્ર બનાવવા માટે અફઘાનિસ્તાનનો વ્યૂહાત્મક ઉપયોગ કર્યો હતો.
તાલીબાનોના ઉપદ્રવ અને અમેરિકાના પીછેહટના આ પગલાથી ભારતના શત્રુ એવા પાકિસ્તાનના આતંકીઓ અને ખાલીસ્તાન ચળવળ ચલાવતા ગદ્દારો તાલીબાનોના સહકારથી ભારત સામે આફત સર્જી શકે છે. વડાપ્રધાન મોદી માટે અમેરિકાના અફઘાનિસ્તાનમાંથી પારોઠના પગલા ચિંતાનું કારણ બની રહે તો નવાઈ નહીં. અત્યારે 1લી મે ના હજુ અમેરિકન દળોની વાપસીની ડેડલાઈન લંબાઈ છે ત્યાં જ તાલીબાન તત્ત્વો હાવી થવા લાગ્યા છે ત્યારે આવનાર દિવસોમાં કંધહારની ભૂમિ પર વિધર્મી તાલીબાનોના કબજાથી ભારત માટે મહાભારત સર્જાય તેવું દેખાઈ રહ્યું છે.
1લી મે થી અમેરિકાના દળો પાછા ખેંચાવાની ડેડલાઈન લંબાતા તાલીબાનો રઘવાયા: અફઘાનમાં હિંસાનું તાંડવ
અફઘાનિસ્તાનમાંથી અમેરિકા પોતાના દળો 1લી મે થી પાછા ખેંચવાની અગાઉ પેંટાગોને નક્કી કરેલી ડેડલાઈનમાં વધારો થતાં તાલીબાનીઓ રઘવાયા બની ગયા હોય તેમ કેટલાંક અફઘાન પ્રભાવી વિસ્તારમાં તાલીબાની હિંસાની હોળી સળગવા લાગી છે.
પૂર્વ પત્રકાર અને અફઘાનિસ્તાન નાણા મંત્રાલયના કર્મચારીને કંધહારમાં ગઈકાલે ઠાર મારવામાં આવ્યો હતો. અમેરિકન દળો અફઘાનિસ્તાન છોડવાની ડેડ લાઈન છતાં પરત જવાનું શરૂ ન કરતા તાલીબાનીઓ રઘવાયા બન્યાનો માહોલ ઉભો થયો છે. પત્રકારની હત્યા અંગે હજુ સુધી કોઈ જુથે જવાબદારી સ્વીકારી નથી પરંતુ સરકારના સુત્રોને એવો સંદેહ છે કે, પશ્ર્ચિમ વિભાગ પર કબજો ધરાવતા તાલીબાનોનું જ આ કૃત્ય છે.અફઘાનિસ્તાનની ખુબજ જાણીતી ટોલો ન્યુઝના પૂર્વ એન્કર નૈમત રવનને ગુરૂવારે સવારના પહોરમાં ઠાર મારવામાં આવ્યા હતા. પોલીસ પ્રવકતા જમાલ નસીતે જણાવ્યું છે કે, પોલીસે આ હત્યાની તપાસ શરૂ કરી છે.
અફઘાનમાંથી અમેરિકન દળોને પાછા ખદેડી તાલીબાની હકુમત
સ્થાપવા જેહાદ્દીઓના હવાતીયાથી સરકાર માટે સંકટ
આ વિસ્તારમાં છેલ્લા કેટલાંક મહિનાઓથી પત્રકારો, સામાજીક આગેવાનો, સરકારી કર્મચારીઓ અને ન્યાયધીશોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. જો કે તાલીબાનના પ્રવકતા જબી ઉલ્લા મુઝાદીને કંધહારમાં પત્રકારની હત્યા અંગે ટ્વીટ કરીને આ કૃત્ય તાલીબાનનું ન હોવાનું જણાવી ચેતવણી ઉચ્ચારી હતી કે, આવા સમાચારોથી તાલીબાનો વિરુધ્ધ એક તરફી માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાષ્ટ્ર પ્રમુખ અશરફ ઘાનીએ આ હત્યાને વખોડી કાઢી જણાવ્યું હતું કે, આતંકીઓ નાગરિકોની સ્વતંત્ર્તા અને મુક્ત અભિવ્યક્તિના અધીકારને બંદૂકથી દાબી નહીં શકે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના દળો 1લી મેથી પાછા ખેંચવાની ડેડલાઈન વીતી જતા તાલીબાનો રઘવાયા થયા છે. તાલીબાનો હિંસા આચરી અફઘાનિસ્તાનનો ફરી કબજો લેવા સક્રિય બન્યાનો માહોલ ઉભો થયો છે. અફઘાનિસ્તાનમાં તાલીબાનોની વધેલી હિંસામાં છ જેટલા સુરક્ષા જવાનો ગજની વિસ્તારમાં મોતને ભેંટયા હતા. અફઘાનિસ્તાન સરકારે તાલીબાનોના હાથે 50 થી વધુની હત્યા કરાઈ હોવાની માહિતી આપી હતી. અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અત્યારે ભારેલા અગ્નિ જેવી છે.