મામલતદારે આંખ આડા કાન કર્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદે બાંધકામોનો સર્વે કરશે તંત્ર

ખંભાળીયામાં સબભૂમિ ગોપાલ કરી બાંધકામ કરી લેવાતા હોવાની પ્રતિતી થઇ રહી છે. મામલતદાર કચેરી નજીક જ સરકારી જમીન પર બે બે માળની દુકાનોના બાંધકામ થઇ ગયા છતાં મામલતદાર કચેરીએ જ આંખ આડા કાન કર્યા પણ ડે. કલેકટરે આ ગેરકાયદે દુકાનોના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડયા હતા.

ખંભાળીયાના પ્રાંત અધિકારી ગુરૂવે મામલતદાર કચેરી નજીક જ ખડકાઈ ગયેલા ૧૨ દુકાનોના ગેરકાયદે દબાણો હટાવતા સરકારી જમીનને સબ ભૂમિ ગોપાલ કી કરી ગેરકાયદે બાંધકામો ખડકી દેનારાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ખંભાળીયાના યુવા પ્રાંત અધિકારી ડી.આર.ગુરૂવ દ્વારા તાજેતરમાં ભાણવડમાં દબાણ હટાવો ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેમાં મામલતદાર કચેરીની તદન નજીકમાં કોમ્પ્લેક્ષ તોડી પડાયું હતું. તેમણે આ બાબતે સર્વે કરી તપાસ કરી હતી.

આ જમીન સરકારી હોવાનું જણાતા તેમણે નોટીસો આપીને કાનુની કાર્યવાહી કરી હતી જે સામે આ જમીન દુકાનના આસામીઓને ખંભાળીયા કોર્ટમાં મનાઈ હુકમ માટે રીટ કરેલી તે રીટને સરકારી વકિલ કે.સી.દવેની દલીલોથી કાઢી નખાઈ હતી. તે પછી બુધવારે સવારે જ જેસીબી મશીન સાથે ખંભાળીયા પ્રાંત અધિકારી ડી.આર.ગુરૂવે મામલતદાર તથા પોલીસને સાથે રાખીને ૧૨ દુકાનોનું કોમ્પ્લેક્ષ તોડી પાડયું હતું.

પ્રાંત અધિકારી ડી.આર.ગુરૂવે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ૮૦-૯૦ લાખની એક એવી આ ૧૨ દુકાનો ગેરકાયદે સરકારી જમીન પર બાંધકામ હોય તેને દુર કરવા કાર્યવાહી થઈ રહી છે તથા સરકારના નિયમ મુજબની ફરિયાદ પણ દબાણકર્તા સામે થશે. મામલતદાર કચેરીની સામે કરોડોની આ દુકાનો જેની કિંમત આઠ-દસ કરોડ થવા જાય છે તેવા શોપીંગ કોમ્પ્લેક્ષો બની ગયા છતાં સ્થાનિક તેને ધ્યાનમાં રાખતા આખરે પ્રાંત અધિકારી ડી.આર.ગુરૂવે જાતે ત્રાટકયા અને દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું. આ કરોડોની દુકાનો ના હટે તે માટે સ્થાનિક તથા જિલ્લાના નેતાઓ દ્વારા પણ દબાણ અને રજુઆતો થઈ હતી તથા આ દબાણો માટે જિલ્લા કોર્ટમાંથી મનાઈ હુકમ નહીં મળતા આસામીઓ હાઈકોર્ટમાં જવા તજવીજ કરી રહ્યા હતા જયાં પ્રાંત અધિકારીએ ઘા મારી દીધો!

પ્રાંત અધિકારી ડી.આર.ગુરૂવે દ્વારકા જિલ્લામાં દબાણકારો સામે રાજય સરકારના પગલા નવા કાયદા પછી સમગ્ર જિલ્લામાં સૌથી મોટુ દબાણ હટાવો ઓપરેશન કર્યું છે. આ ૧૨ દુકાનોના કોમ્પ્લેક્ષની જેમ અન્ય પણ કોમ્પ્લેક્ષ તથા દુકાનો પણ ગેરકાયદે હોય આ બાબતે પણ સર્વે કરવાનું શરૂ કરીને આ અંગે પણ કડક પગલા લેવાનો  નિર્દેશ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.