- 12 વર્ષમાં પગાર કરતાં 67 ટકા વધુ પૈસા મેળવ્યાનો એસીબીની તપાસમાં ધડાકો
રાજકોટની ટીઆરપી અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં 27 લોકોનાં મોત નીપજ્યા છે જેમાં મનપાના ભ્રષ્ટ અધિકારીઓની જવાબદારી નક્કી કરાઈ છે. ટી.પી. શાખાના અધિકારીઓ અને ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર સહિતની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત ધરપકડ કરાતા એસીબીએ પણ તપાસમાં ઝુકાવીને ધરપકડ થઈ છે તે અધિકારીઓ ઉપરાંત ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવા ઠેબાની મનપા સ્થિત કચેરી અને ઘરે તપાસ કરી હતી જેમાં એસીબીએ ઠેબા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે.
મનપાના ડેપ્યુટી ફાયર ઓફિસર (વર્ગ-2) ભીખા જીવા ઠેબાની અપ્રમાણસર મિલકતની તપાસ એસીબીએ આદરી હતી. જે તપાસમાં 1-04-2012થી 31-03-2024 સુધીના સમયગાળામાં બેંક ખાતાઓની વિગતો તેમજ દસ્તાવેજો મેળવવામાં આવતા બહાર આવ્યું હતું કે, ઠેબાએ પોતાની ફરજ દરમિયાન જાહેર સેવક તરીકે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને, ભ્રષ્ટાચાર આચરી નાણાં મેળવી તે નાણાંનો ઉપયોગ પોતાના તથા પોતાના આશ્રિતોના નામે મિલકતોમાં રોકાણ કર્યુ છે જેથી આરોપી વિરુદ્ધ 79,94,153 રૂપિયાની આવક કરતા 67.27 ટકા વધુ સંપત્તિ હોવાનું બહાર આવ્યું છે. આ કેસની તપાસ પી.આઈ. પી.એ. દેકાવાડિયા ચલાવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ફાયર ઓફિસર પાસેથી 80 લાખની સ્થાવર અને જંગમ મિલકત મળી આવી છે. ફાયર ઓફિસર પાસેથી આવક કરતાં 67.27 ટકા વધુ મિલકત મળી આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 2012 થી 2024ના સમયગાળા દરમિયાન આવકની તપાસમાં બેનામી સંપત્તિ મળી આવતા એસીબી પણ ચોંકી ગયું હતું. એસીબીની તપાસમાં જમીન, પ્લોટ, મકાન, ઓફિસ, દુકાન વગેરે સંપતિ મળી આવી હતી.
બી. જે. ઠેબાએ જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે, વિવિધ ભ્રષ્ટ રીતરસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણાં મેળવી, તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રીતોના નામે મિલ્કતમાં રોકાણ કરેલાનુ પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયેલ છે. જેથી આરોપી વિરૂધ્ધ રૂ.79,94,153 (અંકે રૂપીયા ઓગણએસી લાખ ચોરાણું હજાર એક્સો ત્રેપન પુરા) એટલે કે 67.27% વધુ અપ્રમાણસર મિલ્કતો એટલે કે આવક કરતા વધુ સંપતિ વસાવેલ હોવાનો તપાસ કરનાર અધિકારી કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, રાજકોટ એકમ, રાજકોટનાઓએ સરકાર પક્ષે ફરિયાદી બની રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટેશન ખાતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ 1988 (સુધારો-2018)ની કલમ 13(1)(બી) તથા 13(2) મુજબનો ગુનો દાખલ કરાવેલ છે.