રાહત-સર્વેમાં 650 ટીમોની યુધ્ધના ધોરણે કામગીરી; ખેતીમાં 40 ટકા સર્વે પૂર્ણ: મૃત્યુ પામેલા 14 લોકોના વારસદારોને સહાય મંજુર
ગીર-સોમનાથ જિલ્લામાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તાઉતે વાવાઝોડાની અસરમાંથી લોકોને રાહત આપવા રાજ્ય સરકારે સ્થાનિક તંત્ર સહિત કુલ 650 ટીમ રાહત અને સર્વેની કામગીરી માટે ઉતારી છે. ગીર-સોમનાથ જિલ્લામાં યુધ્ધના ધોરણે વીજળી સેવા શરૂ કરવા માટે માત્ર ઉના અને ગીરગઢડામાં 955 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જિલ્લાનાં તમામ ગામોમાં વૈકલ્પિક વ્યવસ્થાઓ કરીને પીવાના પાણી પહોચાડામાં આવ્યું છે. 42 ગામોમાં ટેન્કરો શરૂ કરતા લોકોને મોટી રાહત થઇ છે. સેવાભાવી સંસ્થાઓએ મદદનો ધોધ વરસાવતા ગામે-ગામ રાશનકીટ તંત્રના સંકલનથી પહોંચાડવામાં આવી છે. ગીર-સોમનાથ જિલ્લામાં ઘરવખરી અને મકાન નુકશાન અંગે 65 ટકા સર્વે પુર્ણ કરાયો છે. જ્યારે ખેતીમાં 40 ટકા સર્વેની કામગીરી પુર્ણ કરાઇ છે.
ગીર-સોમનાથ જિલ્લામાં સરકાર દ્વારા નિંચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવતા મોટી જાનહાની ટળી છે. પરંતુ દીવાલ પડી જતા ઉના તાલુકામાં 10, ગીરગઢડા 3 અને તાલાળામાં 1 એમ 14 વ્યક્તિઓના દુ:ખદ મૃત્યુ થયા છે અને તમામના વારસદારને સહાય મંજુર કરવામાં આવી છે. તેમ કલેકટર અજય પ્રકાશે જણાવ્યું હતું. બે વારસદારને ચેક આપી દેવામાં આવ્યા છે. બાકીના 12 વારસદારને બે દિવસમાં સહાય ચુકવવામાં આવશે. મૃતકોને વારસદારોને રાજ્ય સરકાર દ્વારા રૂ.4 લાખ અને કેન્દ્ર સરકાર દ્વા રૂ. 2 લાખ ચુકવવામાં આવશે.
રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમને ગીર-સોમનાથમાં અમલવારી કરીને સ્થળાંતર કરાયેલા હતા તેવા પાત્રતા ધરાવતા 7202 લોકોને કેશડોલ સહાય ચુકવવા અધિકારીઓ/કર્મચારીઓ લાભાર્થીના ઝુપડાઓમાં જઇને સહાય ચુકવી રહ્યા છે. કુલ 121 ટીમ દ્વારા અત્યાર સુધીમાં 5079 લાભાર્થીઓને 29.45 લાખ કેશડોલ સહાય ચુકવવામાં આવી છે. જિલ્લાના દરીયાકાંઠા માચ્છીમારોને નુકશાન અંગે સરકારના સંવેદનશીલ અભિગમ મુજબ સહાય ચુકવવામાં આવશે. આ માટે 7 ટીમ કામ કરી રહી છે. 166 બોટને નુકશાન થયાનો અંદાજ મળતા સહાય માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગીર-સોમનાથ જિલ્લામાં હવાઇ નિરિક્ષણ બાદ ગત તા. 20 મે નાં રોજ ઉના વિસ્તારની રૂબરૂ મુલાકાત લઇ ગીર-સોમનાથ જિલ્લાના લોકોને તાત્કાલીક પાણી, રાશન સામગ્ર અને વીજળી મળે અને સાથે સાથે નુકશાનીનો સર્વે ઝડપી થાય તે માટે દરેક મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું અને સાથે સાથે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી આર.સી.ફળદુ, મંત્રી સૈારભભાઇ પટેલ, મંત્રી જવાહરભાઇ ચાવડા, મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સહિતના મંત્રીઓ પણ ગીર-સોમનાથ જિલ્લાના નિરિક્ષણ માટે આવીને જિલ્લા તંત્રને રાહત બચાવ માટે માર્ગદર્શન આપેલ છે.