ભાવનગરનાં ઘોઘામાં હજારો વ્હોરા બિરાદરો ઉમટી શેખ દાઉદ બાવાજીને આંસુની અંજલી પાઠવશે
વિશ્ર્વભરનાં દાઉદી વ્હોરા સમાજના મહાન ઓલિયા શેખ દાઉદ બાવાજી સાહેબનો ઉર્ષ મુબારક આગામી તા.૩,૪ શુક શનિવારના રોજ ભાવનગરનાં ઘોઘા ગામે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉગવણી થશે. આ અંગે ભાવનગર ઉર્ષ કમીટી દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. ઘોઘામાં મદફન થયેલા દુનિયાભરનાં દાઉદી વ્હોરા સમાજના મહાન ઓલિયા છે. તેઓ આજીવન સેવાવ્રત પાળી હજારો લોકોને અંધકારમાંથી અજવાળા તરફથી ગતિ કરાવી છે. ભાવનગરથી ૧૭ કિલોમીટર દૂર આવેલા ઘોઘા ગામે શેખ મુલ્લા દાઉદ બાવાજી સાહેબના મઝાર મુબારક આવેલા છે. જયાં વર્ષો પછીઆજે પણ અનેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે. એમ અહી આવતા શ્રધ્ધાળુઓનું કહેવું છે. શેખ દાઉદ બાવાજી સાહેબ વર્ષો પહેલા અલ્લાહની બંદગી અને લોકોની સેવાકાજે પોતાનું જીવન અર્પણ કર્યું હતુ તેમના ઉર્ષ મૂબારક સંદર્ભે શુક્ર શનિવાર બે દિવસ ન્યાઝ, શંદલ, મજલીશ, કુર્આનખ્વાની જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ભાવનગર ઘોઘા ઉર્ષ કમીટી દ્વારા થયું છે. આ કમીટીના સભ્યો અને ભાવનગર આમીલ સાહેબની સીધી દેખરેખ હેઠળ સમાજના આગેવાનો, હોદેદારો અને સભ્યોએ ઘોઘા આવનારા ભાવનગર, તળાજા, મહુવા, ગારીયાધાર, શિહોર, પાલીતાણા સહિતના સૌરાષ્ટ્રના વિવિધ ગામોમાંથી પધારનારા તમામ ભાવિકો માટે પાણીથી લઈ આરોગ્ય સુધીની વ્યવસ્થા ગોઠવી છે. શુક્રવારે સાંજથી શનિવાર સાંજ સુધી શ્રધ્ધાળુઓનું માનવકીડીયારૂ ઘોઘા મુકામે ઉભરાશે દરમિયાન ભાવનગરનાં સામાજીક કાર્યકર ઈસ્માઈલભાઈ ટીનવાળાએ જણાવ્યું હતુકે આ ઉર્ષ નિમિતે કોઈને હાલાકી કે તકલીફ ન પડે તેમાટે ભાવનગરનાં હલુરીયા ચોકથી ઘોઘા ગામ સુધી યાત્રાળુઓ માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે.