વાએઝનો જીવંત પ્રસારણથી લાભ લેતા વ્હોરા બિરાદરો
દાઉદી વ્હોરા સમાજ તા.૨૮ને શુક્રવારે પોતપોતાના ઘેર જ આસુરા પર્વ મનાવી કરબલાના ૭૨ વીર શહિદોને આંસુની અંજલી અર્પણ કરશે. પયગંબર સાહેબ (સ.વ.અ.)ના નવાસા હઝરત ઈમામ હુસૈન (અ.સ)એ સત્યની વેદી પર બલિદાન આપ્યું એટલું જ નહીં પણ એમણે પોતાના સગા સાથીઓની ત્રણ દિવસ ભુખ્યા તરસ્યા રહી પ્રજા માટે લડીને શહાદત વ્હોરી એમની સ્મૃતિમાં તા.૨૦ થી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરૂ) ડો.સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ) દ્વારા સેટેલાઈટ મારફત વાએઝનું જીવંત પ્રસારણ થઈ રહ્યું છે. આ વાએઝનો લાભ આજના કોરોના કાળમાં વ્હોરા બિરાદરો પોતાના ઘરોમાં લઈ રહ્યા છે. શુક્રવારે મીસરી કેલેન્ડર મુજબ મોહર્રમ માસની ૧૦મી તારીખ થતી હોય આ દિવસે યવમે આશુરાના પર્વ પર જસદણ સહિત દેશ અને દુનિયાના ગામેગામમાં વસવાટ કરતા તમામ વ્હોરા બિરાદરો પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ પાળી સુર્યોદયથી સુર્યાસ્ત સુધી અન્નનો એક પણ દાણો અને પાણીનું એક પણ ટીપુ મોઢામાં નાખ્યા વગર ફાંકો રાખી આખો દિવસ હજરત ઈમામ હુસૈન (અ.સ) અને કરબલાના જાંબાઝ વીરોની ઈબાદતમાં રહેશે. વાએઝ સાથે ઘરમાં જ શહીદોનું માતમ કરી આંસુની અંજલી અર્પણ કરશે.