ખંડણીના કેસમાં પકડાયેલા દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકરે તેની પૂછપરછમાં કહ્યું છે કે દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં જ છે. ૨૦૧૪થી ભારતમાં નરેન્દ્ર મોદીની સરકાર બની છે એ સરકાર તેને પકડવા જે પ્રયાસો કરી રહી છે એ જોતાં દાઉદે ત્યારથી અત્યાર સુધીમાં ચાર વખત રહેઠાણ બદલાવી નાખ્યા છે. એટલુ જ નહીં તેની સિક્યોરિટીમાં પણ ભારે વધારો કરી દેવાયો છે. ઇકબાલ કાસકરે દાઉદની ગેરકાયદે ધંધાની કેટલીક વિગતો પોલીસને આપી હતી. તેણે કહ્યું હતું કે દાઉદ મેક્સિકોની ડ્રગ કાર્ટેલ સાથે સંકળાયેલો છે. હાલ પણ તે ડ્રગ્સના ધંધામાં મોટુ રોકાણ કરી રહ્યો છે. તે લેટિન અમેરિકા અને આફ્રિકન દેશોમાં તેનો ડ્ર્ગ્સના ધંધાનો વિસ્તાર થાય એ માટે પ્રયાસ કરી રહ્યો છે. ત્યાંના સ્થાનિક ડ્ગ્સ્ માફિયાઓ સાથે આ માટે તેણે જોડાણ પણ કરી લીધું છે.
થાણેના બિલ્ડર પાસેથી ખંડણી માગવાના આરોપસર પકડાયેલા દાઉદ ઇબ્રાહીમના ભાઈ ઇકબાલ કાસકરે થાણે બેલ્ટના બિલ્ડરો અને ડેવલપરો પાસેથી છેલ્લા ત્રણ વર્ષમા રૂપિયા ૧૦૦ કરોડ પડાવ્યા હોવાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. એ ખંડણીના વ્યવહારમાં વચેટિયાની ભૂમિકા ભજવનાર એનસીપીના બે નેતાઓની પણ પોલીસ તપાસ કરી રહી છે. આ કેસ સંદર્ભે થાણેના પોલીસ કમિશનર પરમબિર સિંહે કહ્યું હતું કે શું દાઉદ પણ આ ખંડણીના રેકેટ સાથે સંકળાયેલો છે? શું તેને ખંડણીની રકમ હવાલા મારફત મોકલાય છે તેની અમે તપાસ ચલાવી રહ્યા છીએ. વળી કાસકરને ખંડણી પડાવવામાં મદદ કરનાર બે સ્થાનિક નેતાઓ પર પણ અમે નજર રાખી રહ્યા છીએ, એમ તેણે જણાવ્યું હતું.
મંદી અને નોટબંધીના કારણે અનેક બિલ્ડરો ભીડમાં આવી ગયા છે. તેઓ ઇકબાલ કાસકરને ખંડણીની રકમ પણ ચૂકવી શકે એમ ન હોવાથી હવે ખંડણી રૂપે ફ્લેટ આપી રહ્યા છે. પરમબિર સિંહે આ વિશે કહ્યું હતું કે ઇકબાલ કાસકર ૨૦૧૩ થી લઇને થાણેના બિલ્ડરોને ધમકાવીને છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા ૧૦૦ કરોડની ખંડણી પડાવી હોવાનો અંદાજ છે.