શહેરના વોર્ડ નં. ૧૪ની કસ્તુરબા વિદ્યાલયમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી
શહેરના ૮૦ ફૂટ રોડ પર વોર્ડ નંબર ૧૪માં આવેલી કસ્તુરબા કન્યા વિદ્યાલયમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર શ્રી બી. એન. પાનીએ જણાવ્યું કે દીકરીનું ભણતર દેશનું ભાવિ ઉજ્જવળ બનાવશે.
હવે, દીકરીઓ પણ વિવિધ ક્ષેત્રમાં દીકરાઓ કરતા પણ આગળ વધી રહી છે અને પોતાનું નામ રોશન કરી રહી છે.
શ્રી પાનીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં દીકરીઓ ભણીગણી આગળ વધે અને અધવચ્ચેથી શાળા છોડે નહીં તે માટે કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કર્યો હતો.
હવે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ કન્યા કેળવણી મહોત્સવનું વ્યાપ વધારી તેને માધ્યમિક સુધી લઇ ગયા છે. રાજ્ય સરકાર એવું ઇચ્છે કે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીને બહાર આવતા છાત્રો આગળના અભ્યાસ માટે પણ માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં પ્રવેશ લે.
તે માટે આ વખતે રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શાળાઓમાં પણ પ્રવેશોત્સવનું આયોજન કર્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, સરકારી શાળાઓ પાસે શિક્ષિત સ્ટાફ, પૂરતી ભૌતિક સુવિધાઓ હોય છે. કોઇ વાલીઓએ મનમાં એવો ખ્યાલ નથી રાખવાનો કે અમારી દીકરી સરકારી શાળામાં ભણે છે.
સરકારી શાળાઓના પણ પરિણામો સારા આવે છે. અમે પણ સરકારી શાળામાં ભણી આગળ આવ્યા છીએ. હું તો માત્ર ૫૦ રૂપિયાનું સરકારી ચલણ ભરી આઇએએસ બન્યો છું. છાત્રવૃત્તિ મેળવી દેશનું સૌથી મોટી યુનિવર્સિટીમાં ભણ્યો છું અને સરકારી પુસ્તકાલયમાં વાંચન કર્યું છે.
સરકાર શિક્ષણ માટે બહુ જ તકેદારી રાખી રહી છે. ત્યારે, છાત્રોએ પણ મન લગાવીને ભણવું જોઇએ. તેમ તેમણે અંતે જણાવ્યું હતું.
મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી છાત્રાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પુસ્તકોની કિટ આપી નવાંગુતક છાત્રાઓને શાળા પરિવારમાં આવકારવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓને સરકારની યોજના તળે સાયકલ, ગણવેશ પણ આપવામાં આવ્યા હતા.
શાળાની છાત્રાઓને પર્યાવરણ ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ નગરસેવિકા શ્રી કિરણબેન સોરઠિયાઅને વર્ષાબેન રાણપરા, અગ્રણી શ્રી જીતુભાઇ કોઠારી, આચાર્ય શ્રી ગિરીશભાઇ પંડ્યા, શિક્ષકગણ ઉપસ્થિત રહ્યો હતો.