- મોટા પ્રમાણમાં ડેટા લીક થયાનો સાયબર સિક્યોરિટી કંપની ક્લાઉડસેકનો દાવો
- દૂરસંચાર વિભાગે ટેલિકોમ કંપનીઓને તાત્કાલિક તેમની સિસ્ટમનું સુરક્ષા ઓડિટ કરવા આદેશ આપ્યો
75 કરોડ ભારતીય મોબાઈલ ગ્રાહકોનો ડેટા લીક થઈને ડાર્ક વેબ ઉપર વેચાવા માટે મુકવામાં આવ્યો છે. આ પછી, દૂરસંચાર વિભાગે ટેલિકોમ કંપનીઓને તેમની સિસ્ટમનું સિક્યોરિટી ઓડિટ કરવા કહ્યું છે. સાયબર સિક્યોરિટી કંપની ક્લાઉડસેકના દાવા મુજબ, તેના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે હેકર્સ 75 કરોડ ભારતીય મોબાઈલ યુઝર્સની માહિતી ડાર્ક વેબ પર વેચી રહ્યા છે.
સાયબર સિક્યોરિટી કંપની ક્લાઉડસેકના દાવા મુજબ, તેના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે હેકર્સ ડાર્ક વેબ પર 75 કરોડ ભારતીય મોબાઇલ વપરાશકર્તાઓ સાથે સંબંધિત માહિતી વેચી રહ્યા છે. ક્લાઉડસેકે જણાવ્યું હતું કે હેકર્સે કોઈપણ ઉલ્લંઘનમાં સંડોવણીનો ઇનકાર કર્યો હતો અને અજ્ઞાત સ્ત્રોત દ્વારા કાયદેસર રીતે ડેટા મેળવ્યો હોવાનો દાવો કર્યો હતો.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે દૂરસંચાર વિભાગે ટેલિકોમ કંપનીઓને તેમની સિસ્ટમનું સુરક્ષા ઓડિટ કરવા જણાવ્યું છે. જો કે, અધિકારીએ કહ્યું કે ટેલિકોમ કંપનીઓએ ડિપાર્ટમેન્ટને અનૌપચારિક રીતે કહ્યું છે કે ક્લાઉડસેક રિપોર્ટમાં દાવો કરવામાં આવેલી લીક થયેલી માહિતી ટેલિકોમ ગ્રાહકોના જૂના ડેટાનું સંકલન હોવાનું જણાય છે. આ તેમની સિસ્ટમમાં કોઈ ગરબડ અથવા નબળાઈને કારણે નથી.
હેકર્સે 2.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી
સરકારી સાયબર સિક્યોરિટી બોડી ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ સાથે સંકળાયેલ સાયબર ઈન્ટેલિજન્સ કંપનીએ જણાવ્યું કે આ મામલો 23 જાન્યુઆરીએ પ્રકાશમાં આવ્યો હતો. માહિતીની વહેંચણીના ભાગરૂપે,કલાઉડ સેકએ સંબંધિત સત્તાવાળાઓ અને સંસ્થાઓને જાણ કરી છે કે જેઓ ઉલ્લંઘનથી પ્રભાવિત થઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ડાર્ક વેબ પર ભારતીય ડેટા વેચવાનો દાવો કરનાર હેકરનું કહેવું છે કે આ ડેટા 600 જીબીમાં ઉપલબ્ધ કરાવી શકાય છે. હેકરે સમગ્ર ડેટા સેટ માટે 3,000 યુએસ ડોલર એટલે કે લગભગ 2.5 લાખ રૂપિયાની માંગણી કરી છે.