અબતક, શબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર પાટડીના ખોબા જેવડા દસાડાનો યુવાન કેનેડામાં હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ બન્યો છે. કેનેડામાં હિન્દુઓની પ્રગતિ, સંગઠન ભાવનાના હેતુથી કેનેડિયન હિન્દુ ઓફ કોમર્સની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે મકરસંક્રાંતિના શુભ દિવસે, કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સના શાનદાર ઉદઘાટન સમારોહના સાક્ષી બનવા માટે 250થી વધુ વ્યક્તિઓ ઓનલાઇન જોડાયા હતા.
કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ કેનેડાની પ્રથમ સંસ્થા છે. જે હિન્દુ બિઝનેશ એન્ટરપ્રાઇઝ, યુવા વ્યાવસાયિકો અને અન્ય વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરવા માટે સમર્પિત છે જે તેમના પોતપોતાના ક્ષેત્રોમાં ટોચ પર છે, જે ક્યારેય એકીકૃત પ્રતિનિધિત્વ ન હોવા છતાં હિન્દુઓ લાંબા સમયથી કેનેડિયન અર્થતંત્રની કરોડરજ્જુ રહ્યાં છે. આ સંસ્થા પાસે પહેલેથી જ 3જી પેઢીના કેનેડિયનોથી લઇને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ગુયાના, ત્રિનિદાદ, દક્ષિણ આફ્રિકા અને ફિજીના રહેવાસીઓ જોડાયેલા છે, ત્યારે મૂળ પાટડી તાલુકાના દસાડાના વતની એવા કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નરેશ ચાવડા ટોરેન્ટો, ઓન્ટારિયોમાં વરિષ્ઠ ઇમિગ્રેશન કાયદા વિશેયજ્ઞ છે. સંસ્થા કેનેડામાં હિન્દુ વેપારીઓ માટે અભિવ્યક્તિ, પ્રતિનિધિત્વ અને સુધારણા કરવા તત્પર છે. કેનેડિયન હિન્દુઓએ કેનેડાના વિકાસ માટે દરેક ક્ષેત્રે યોગદાન આપ્યું છે.