પ્રજાસત્તાક પર્વ નિમિતે કોર્પોરેશન દ્વારા આજે શહેરીજનો માટે બોલીવુડના ખ્યાતનામ પ્લેબેક સિંગર દર્શન રાવલની ‘સુનહરી સાંજ’ સંગીત સંધ્યાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉમટી પડવા માટે રાજકોટવાસીઓને પદાધિકારીઓ દ્વારા અપિલ કરવામાં આવી છે. સંગીત સંધ્યા કાર્યક્રમમાં કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે કોર્પોરેટરોને ખાસ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રજાસત્તાક પર્વ નિમિતે કોર્પોરેશન દ્વારા રેસકોર્સમાં ‘સુનહરી સાંજ’નું
ધમાકેદાર આયોજન: ઉમટી પડવા પદાધિકારીઓની હાંકલ
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપભાઇ ડવ, ડે.મેયર-ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસ નિમિતે કોર્પોરેશન દ્વારા આજે રાત્રે 8:30 કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ સ્થિત રમેશભાઇ પારેખ ઓપન એર થિયેટર ખાતે પ્લેબેક સિંગર દર્શન રાવલની સંગીત સધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી દ્વારા કરવામાં આવશે. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર ઉપરાંત હસુભાઇ ગોહેલ, છગનભાઇ બુસા, શંભુભાઇ પરસાણા અને વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી ઉ5સ્થિત રહેશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે દર્શન રાવલે છોગાડા તારા…. મેં વો ચાંદ….. તેરી આંખો મે…. બેખૂદી…..હર્વા બન કે….. પહેલી મહોબ્બત…. તુ મિલીયા સારી કી સારી….. એક થી એક ચડિયાતા ગીત ગાયને યુવાઓના હૃદ્યમાં સ્થાન મેળવી લીધું છે. આજે ‘સુનહરી સાંજ’ કાર્યક્રમમાં ઉમટી પડવા શહેરીજનોને આહવાન કરવામાં આવ્યું છે.
કોર્પોરેટરોને વ્યવસ્થા માટે જવાબદારી સોંપાઇ
કોર્પોરેશન દ્વારા જ્યારે જાહેર જનતા માટે કોઇ મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ધાર્યા બહારની મેદની પડતી હોવાના કારણે ભારે અવ્યવસ્થા સર્જાય જાય છે. દર્શન રાવલની સુનહરી સાંજ સંગીત સંધ્યામાં કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પ્રથમ વખત ભાજપના તમામ નગરસેવકોને જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આટલું જ નહિં વીઆઇપી કેટેગરીના પાસ પણ આડેધડ વિતરણ કરવામાં આવ્યા નથી. આજે સવારે મેયર સહિતના પદાધિકારીઓએ રેસકોર્ષ ખાતે જઇ વ્યવસ્થાની ચકાસણી કરી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી.