નૈઋત્ય ચોમાસું કેરળ થઈને ગોવા અને મહારાષ્ટ્રના મુંબઈ બાદ ગુજરાતમાં આગમન કરી ચૂક્યું છે. ગુજરાતમાં ચોમાસાના વધામણા થતા અન્નદાતાઓમા ખુશીની લહેર ફળી વળી છે. કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી ગુજરાતને હવે રાહત મળી છે. ચોમાસાની શરૂઆતમાં જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, તેમાં પણ આજ રોજ સૌથી વધુ આણંદ પર મેઘરાજા મહેરબાન થયા છે.
આણંદમાં છેલ્લા 4 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે આણંદના જાહેર માર્ગો બેટમાં ફેરવાય ગયા છે. નીચાણવાળા વિસ્તારો અતિ પ્રભાવિત થયા છે. ચોતરફ જળ બંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ છે.
રાજકોટ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભરપુર વરસાદ જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લાનાં પડધરી, જસદણ, કોટડાસાંગાણી અને આટકોટ પંથકમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં મેઘમહેર શરૂ થઈ ગઈ છે. ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ બાદ આજે બપોર બાદ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
કચ્છમાં આજે સતત બીજા દિવસે પણ વરસાદનો સીલસીલો યથાવત રહ્યો છે. કચ્છના રતનાલ, રેલડી, કુકમા, રેહા, કોટડા, હાજાપર સહિત વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ આગાહી સાચી પાડતા વરસાદ માજા મેલીને વર્ષી રહ્યો છે.
અમદાવદના એસ.જી હાઈવે, પાલડી, નવરંપુરા, ઘાટલોડિયા તેમજ પૂર્વમાં નરોડા, મેમકો, નિકોલ સહિતના વિસ્તારમાં એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હજુપણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 12 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો, ઉમરગામમાં 2.71 ઈંચ, ધરમપુરમાં 13 mm, પારડીમાં 1.92 ઇંચ, વલસાડમાં 1.81 ઇંચ, વાપીમાં 22 mm વરસાદ નોંધાયો છે.
વડોદરામાં કાલે બપોરે વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને પગલે પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા. જેથી ત્યાંના સ્થાનીય લોકોને મુશ્કેલીઓ ઉભી થઈ હતી. કડાકા-ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ જમીનદોસ્ત થઇ ગયા હતા. વડોદરાના રાત્રિ બજાર પાસે આવેલુ વિશાળ હોર્ડિંગ્સ તૂટી પડતા ટ્રાફિકજામ થઈ ગયો હતો.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગના અનુસાર, પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં ટ્રો સર્જાયો છે. દક્ષિણ પાકિતાન અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ બાબત દર્શાવે છે કે આગામી 2-3 દિવસમાં ગુજરાતમાં ચોમાસાની આગેકૂચ થવા માટે સાનુકૂળ વાતાવરણ છે.