બાઇક રોડ વચ્ચે રાખનારને ટપારવા જતા 4 શખ્સોએ પથ્થર અને બોથડ પદાર્થના ઘા ઝીંકી પાણી પુરવઠાના કર્મીનું ઢીમ ઢાળી દીધું
રાજકોટના ભાગોળે આવેલા કણકોટ ગામમાં એક હત્યાનો બનાવ સામે આવતા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. જેમાં ગત તા.1લી ઓકટોબરના રોજ વાહન સાઈડમાં રાખવા બાબતે ટપારતા ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ પ્રૌઢને પથ્થર જેવા બોથડ પદાર્થ મારતા તેઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ સારવાર દરમિયાન પાણી પુરવઠાના કર્મીનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કણકોટ ગામમાં રહેતા અને ગ્રામપંચાયતમાં પાણી પુરવઠા વિભાગમાં કામ કરતા જેન્તીભાઇ રધવજીભાઈ જીંજુવાડિયા નામના 52 વર્ષના પ્રૌઢ ઘરે જતા હતા તે દરમિયાન તેના જ ગામના નકા નામના શખ્સે બાઈક આડે રાખી દીધી હતી.
જે બાબતે જેન્તીભાઇએ નકાને બાઈક સાઈડમાં રાખવાનું કહેતા ઉશ્કેરાયેલા નકા, મહેશ, વિક્રમ અને ચોટીયાએ પ્રૌઢને પથ્થર મારતા ઘવાયેલા જેન્તીભાઇને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે પ્રૌઢને અમદાવાદ દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ફરી એકવાર તેમની તબિયત લથડતાં તેઓનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
આ અંગે પોલીસમાં જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક જેન્તીભાઇ જીંજુવાડિયા ગ્રામપંચાયતમાં પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરતા હતા. થોડા દિવસ પહેલા જ્યારે જેન્તીભાઇ ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન નકાએ પ્રૌઢને આડે બાઈક રાખી માથાકૂટ કરી હતી. જેથી નકા સહિત ચાર શખ્સોએ જેન્તીભાઇ માર મારતા તેમનું મોત નિપજ્યું હતું. જેથી બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી આરોપી સામે કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથધરી છે.