ગંજીવાડા, દેવનગર, સોનીબજાર અને લાલપરી મફતિયામાંથી ડેંન્ગ્યુના કેસો મળી આવ્યા
ચોમાસાની સીઝનમાં સતત વાદળછાયા વાતાવરણના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઈફોઈડ જેવા તાવે માથુ ઉચકયું છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ડેન્ગ્યુ અને મેલેરિયાના ૭ કેસો મળી આવતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. રોગચાળાને કાબુમાં લેવા આરોગ્ય શાખામાં પણ દોડધામ મચી જવા પામી છે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરીના ગંજીવાડા, દેવનગર, સોનીબજાર અને લાલપરી મફતિયા વિસ્તારમાંથી ડેન્ગ્યુ તાવના ચાર કેસ મળી આવ્યા છે.
આ ઉપરાંત શહેરની અલગ-અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાંથી શરદી-ઉધરસ અને તાવના ૧૫૧ કેસ, ઝાડા-ઉલ્ટીના ૯૭ કેસ, ટાઈફોઈડના ૩ કેસ, મરડાના ૭ કેસ, મેલેરિયાના ૩ કેસ, કમળાના ૩ કેસ અને અન્ય તાવના ૧૮ કેસો મળી આવ્યા છે. રોગચાળાને અટકાવવા માટે ૩૩,૫૬૦ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો.
શાળા-કોલેજ, હોટલ, હોસ્પિટલ અને બાંધકામ સાઈટ સહિત કુલ ૩૩૧ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. મચ્છરની ઉત્પતિ સબબ ૧૪૪ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને રૂ.૩૧,૨૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.
ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૩૪ રેંકડી, ૧૭ દુકાન, ૮ ડેરીફાર્મ, ૧૬ હોટલ, રેસ્ટોરન્ટ, ૫ બેકરી અને ૧૩ અન્ય સ્થળ સહિત કુલ ૯૩ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૫૪૨ કિલોગ્રામ અખાદ્ય ખોરાકનો નાશ કરી ૧૯ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.