મેલેરિયાના ૬, શરદી-ઉધરસના ૧૫૩, ઝાડા-ઉલ્ટીના ૯૨ કેસો મળી આવતા આરોગ્ય શાખામાં દોડધામ
શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ડેન્ગ્યુ તાવના ૨૧ અને મેલેરિયા તાવના ૬ કેસો મળી આવતા શહેરીજનોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. રોગચાળાને નાથવા માટે કોર્પોરેશનના તમામ કહેવાતા પ્રયાસો સરેઆમ નિષ્ફળ જઈ રહ્યા છે.
મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ડેન્ગ્યુ તાવના ૨૧ કેસો નોંધાયા છે. જીવંતિકાનગર, રવેચીનગર, ઉદયનગર, ગૌતમનગર, ડો.ભીમરાવ આંબેડકરનગર, જંકશન પ્લોટ, ઘનશ્યામનગર, ન્યુ બાલાજી ઈન્ડસ્ટ્રીઝ એરીયા, ગોવર્ધન પાર્ક, વિષ્ણુ વિહાર સોસાયટી, વિનાયક નગર, સોમનાથ સોસાયટી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, રૈયાધાર, સતાધાર પાર્ક, જય નગર, ધરમ સિનેમા પાછળ, બજરંગ વાડી, નંદનવન સોસાયટી, ન્યુ રાજદીપ સોસાયટી અને આર્યનગરમાંથી ડેન્ગ્યુના કેસો મળી આવ્યા છે. શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન સામાન્ય શરદી-ઉધરસ અને તાવના ૧૫૩ કેસ, ઝાડા-ઉલ્ટીના ૯૨ કેસ, ટાઈફોઈડ તાવના ૩ કેસ, મરડાના ૭ કેસ, મેલેરિયાના ૬ કેસ, કમળા તાવના ૨ કેસ અને અન્ય તાવના ૨૯ કેસો મળી આવ્યા છે.
તેઓએ ઉમેર્યું હતું કે, મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૩૧,૦૯૮ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૦,૧૭૩ ઘરમાં મચ્છરના નાશ માટે ફોગીંગ કરવામાં આવ્યું હતું. શાળા-કોલેજ, હોસ્પિટલ, બાંધકામ સાઈટ સહિત કુલ ૨૮૮ પ્રિમાઈસીસમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને મચ્છરની ઉત્પતિ સબબ ૧૮૨ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને રૂ.૫૭૦૦નો દંડ વસુલ કરાયો છે.
ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૪૫ રેકડી, ૩૬ દુકાન, ૧૫ ડેરીફાર્મ, ૯ હોટલ, રેસ્ટોરન્ટ, ૬ બેકરી અને ૨૭ અન્ય સ્થળ સહિત કુલ ૧૩૮ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત ૨૪૪ કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરી ૨૦ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જયારે એક સ્થળેથી નમુના લેવામાં આવ્યા છે.
કોર્પોરેશનના રેકોર્ડ પર ભલે છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના માત્ર ૨૧ કેસો નોંધાયા હોય પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ છે. શહેરભરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલો ડેન્ગ્યુના દર્દીઓથી ઉભરાઈ રહી છે અને આંકડો સેકડોમાં છે પરંતુ રોગચાળો છુપાવવામાં માહિર આરોગ્ય શાખા વાસ્તવિક આંકડાઓ છુપાવી રહ્યું છે.