રાજયના ૧૨૧ તાલુકાઓમાં વરસાદ: સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટા
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૧૨૧ તાલુકાઓમાં વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રમાં માત્ર હળવાથી મધ્યમ ઝાપટા પડયા છે. ડાંગ જિલ્લાનાં વધઈ તાલુકામાં સૌથી વધુ સાત ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
રાજયમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૧૨૧ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. ડાંગ જિલ્લાનાં વધઈમાં સૌથી વધુ ૧૬૪ મીમી વરસાદ પડયો છે. આઉપરાંત તાપીના વ્યારામાં ૧૩૭ મીમી, વણોદમાં ૧૩૩ મીમી, ડોલવાણમાં ૧૦૨ મીમી, મહુવામાં ૯૭ મીમી, બારડોલીમાં ૯૪ મીમી, સોનગઢમાં ૮૬ મીમી, ચોર્યાસીમાં ૮૨ મીમી, કપરાડામાં ૭૭ મીમી, પાલસણામાં ૭૩ મીમી ઉમરપાડામાં ૭૦ મીમી, સુબીરમાં ૬૮ મીમી, નવસારીમાં ૫૯ મીમી, સુરતમાં ૫૭ મીમી, ધરમપૂરમાં ૫૭ મીમી, વાસેદામાં ૫૫ મીમી, ડાંગમાં ૫૫ મીમી, બોસદમાં ૫૩ મીમી, નેત્રાંગમાં ૫૩ મીમી, વાગરામાં ૫૩ મીમી, જેતપૂર પાવીમાં ૫૦ મીમી, ગરબાડામાં ૫૦ મીમી, નાડોદમાં ૪૯ મીમી, જલાલપોરમાં ૪૯ મીમી, અમોદમાં ૪૮ મીમી, ડેડીયાપાડામાં ૪૮ મીમી, ઉચ્છાળમાં ૪૬ મીમી વરસાદ પડયો હતો.
સૌરાષ્ટ્રમા છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડયા હતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમા સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદનીઆગાહી આપવામાં આવી છે.