• 1500 કર્મીઓનો કાફલો: ટેબલ દીઠ કાઉન્ટીંગ સુપરવાઇર અને માઇક્રો ઓબ્ઝર્વર તૈનાત રહેશે
  • સવારે 8 વાગ્યાની સઘન સુરક્ષા વચ્ચે મત ગણતરી શરૂ કરાશે
  • પ્રથમ તબકકામાં વિધાનસભા બેઠક દીઠ 14-14 ટેબલ પર પોસ્ટલ બેલેટની ગણતરી

રાજકોટ શહેર અને જીલ્લામાં વિધાનસભાની આઠ બેઠકો માટે 1 ડીસેમ્બરના રોજ પ્રથમ તબકકામાં મતદાન યોજાયું હતું. જેમાં 60.62 ટકા મતદાન થયા બાદ સૌ કોઇને મત ગણતરીના દિવસની આતુરતા છે. મત ગણતરી માટે રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે કણકોટ એન્જીનીયરીંગ કોલેજ  ખાતે સવારે 8 કલાકે મત ગણતરી શરુ થશે. મત ગણતરીને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

રાજકોટના કણકોટ ગામે આવેલ સરકારી એન્જીનીયરીંગ કોલેજ ખાતે દરેક વિધાનસભા બેઠક વાઇસ 14-14 ટેબલ પર મત ગણતરી થનાર છે. મત ગણતરી માટે 126 ટેબલનો ઉપયોગ કરવામાં આવશે. કુલ 162 રાઉન્ડમાં જીલ્લાની આઠ બેઠકોની મત ગણતરી થવાની છે. મત ગણતરી દરમિયાન દરેક ટેબલ પર એક એક સુપરવાઇઝર તેમજ આસી. સુપરવાઇઝર તેમજ એક  એક માઇક્રો ઓબ્ઝર્વરની ટીમ તૈનાત રહેશે.મત ગણતરી દરમિયાન જે કોઇ પ્રકારની સમસ્યા ન રહે તે માટે ચુંટણી તંત્ર દ્વારા માઇક્રો પ્લાનીંગ કરવામાં આવી છે. ઇવીએમ મશીનને જયાઁ રાખવામાં આવ્યા છે તે સ્થળ પર લોખંડી બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે.

રાઉન્ડ ધ કલોક  પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સતત ખડે પગે બંદોબસ્તમાં રહે છે. કોઇપણ પ્રાઇવેટ વાહનોને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. તથા તમામ સરકારી કર્મીઓને તેઓને પુરતી ઓળખ સાથે એન્ટ્રી અને એકઝીટ સમય સાથે નોંધ પણ રાખવામાં આવી રહી છે. એન્જીનીયરીંગ કોલેજ ખાતે પ્રવેશ મેળવતા તમામ વાહનોનું પણ સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ઘોડેશ્ર્વાર પોલીસ કર્મીઓ દ્વારા પણ કોલેજ આસપાસ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમ જ અજાણ્યા શખ્સો પુછપરછ પણ કરવામાં આવી રહી છે. હાલ જીલ્લા વહીવટી તંત્ર – ચુંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે ત્યારે સૌ કોઇને બસ ઇન્તજાર છે પરિણામો કયા પક્ષ તરફ આવશે ? લોકો કયાં ઉમેદવારો પર જીતનો કળશ ઢોળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.