કોરોનાની રફ્તાર ખતરનાક!!
70 જિલ્લા કોરોનાના ભરડામાં, અઠવાડિયામાં કેસ 39% વધ્યા
કોરોના હવે કયારે જાશે?? કોવિડ-19ના કારણે છવાયેલી વૈશ્ર્વિક મહામારીને નાબુદ કરવા વિશ્ર્વ આખુ પ્રયાસમાં જુટાયું છે. પરંતુ હાલ વાયરસ વધુને વધુ વકરી રહ્યો છે. કેસની સંખ્યા ફરી ઝડપભેર વધતા નવું જોખમ ઉભુ થયું છે. એમાં પણ ભારતમાં રસીકરણ વચ્ચારે કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેમ સંક્રમિતોની સંખ્યા વધતી જઈ રહી છે. દોઢેક માસ અગાઉ કેસ ઘટી ગયા હતા. મૃત્યુઆંક ઘટી રીકવરી રેટ પણ વધી ગયો હતો.પરંતુ કોરોનાએ ફરી માથું ઉંચકતા છેલ્લા 10 માસના કેસ પાંચ દિવસમાં નોંધાઈ ગયા છે. કોરોનાની આ ખતરનાક રફતાર સામે બચવા લોકોએ ફરજીયાત ગાઈડલાઈનનું પાલન કરી સાવચેતી દાખવવી અનિવાર્ય બની છે.
દેશમાં છેલ્લા 10માસમાં જેટલા કેસ નોંધાયા હતા. એટલા કેસ આ ગત પાંચ દિનમાં નોંધાઈ ગયા છે. સાત દિવસમાં કેસમાં સરેરાશ 39 ટકાનો વધારો થયો છે. દરરોજનાં સરેરાશ 40 હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. એમાં પણ સૌથી વધુ સ્થિતિ મહારાષ્ટ્રની બની છે.કોરોના કેપીટલ બન્યું હોય તેમ દેશના કુલ કેસનાં 60 ટકા કેસ મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે. ગુરૂવારે 25,833 કેસ નોંધાયા છે.
છેલ્લા પાંચ દિવસના ગાળામાં દરરોજ પાંચ ટકાના વધારાથી કેસ ઉછળી રહ્યા છે. વાત કરીએ રાજધાની દિલ્હીની તો, અહીં પણ પરિસ્થિતિ વકરી રહી છે. જયાં 607 કેસ નવા નોંધાયા છે. જે ગત 30 ડીસેમ્બરથી અત્યાર સુધીમાં સૌથી વધુ છે. પંજાબમાં 2387 કેસ નોંધાયા છે. 1276 કેસની સાથે ગુજરાત ચોથા ક્રમે છે. જે ખતરાની ઘંટડી રૂપ છે. વધતા કેસનાં કારણે ગુજરાતની સરહદો શીલ કરીદેવાઈ છે. આંતર-રાજય વ્યવહાર નિયંત્રીત કરી દેવાયો છે.