વાયુ વાવાઝોડા વખતે હિલોળા લેતા મોબાઈલ ટાવરનાં કારણે એપાર્ટમેન્ટની પાણીની ટાંકી લીકેજ: ઓનર્સ એસોસીએશને ટાવર દુર કરવા કોર્પોરેશનમાં ફરિયાદ કરી હોવા છતાં અધિકારીઓ આપે છે એકાબીજાને ખો
શહેરનાં એરપોર્ટ રોડ પર આવેલા સદગુરુ વિહાર એપાર્ટમેન્ટની ઉપર ઈન્ડર્સ ટાવર લિમીટેડ નામની કંપની દ્વારા મુકવામાં આવેલો મોબાઈલ ટાવર અત્યંત જોખમી અને જીવલેણ બની ગયો છે. આ ટાવર દુર કરવા માટે શ્રી સદગુરુ વિહાર એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસીએશન દ્વારા કોર્પોરેશન તથા કંપનીનાં જવાબદાર અધિકારીઓને લેખિતમાં રજુઆત કરી હોવા છતાં આજ સુધી ટાવર દુર કરવામાં તંત્ર દ્વારા ભેદી ઢીલ દાખવવામાં આવી રહી છે. આટલું જ નહીં ઉલ્ટા ચોર કોતવાલ કો ડાટે તે કહેવત મુજબ મહાપાલિકાનાં નિર્ભર તંત્રએ એસોસીએશનને નોટીસ ફટકારી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરનાં એરપોર્ટ રોડ પર સદગુરુ વિહાર એપાર્ટમેન્ટ પર ઈન્ડર્સ કંપની દ્વારા મોબાઈલ ટાવર મુકવામાં આવ્યો છે. આ ટાવર અત્યંત જોખમી અને જીવલેણ બની ગયો છે. ટાવરનાં કારણે એપાર્ટમેન્ટની ૧૨ હજાર લીટરની પાણીની ટાંકી લીકેજ કરી નાખી છે. શ્રી સદગુરુ વિહાર એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસીએશન દ્વારા કોર્પોરેશનમાં ટાવર દુર કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. આ જોખમી ટાવર વાયુ વાવાઝોડા સમયે ભારે પવનમાં રિતસર હિલોળા રહેતો હતો આ વિડીયો પણ કોર્પોરેશનનાં અધિકારીઓને બતાવવામાં આવ્યો હતો છતાં તંત્રએ કોઈ જ ગંભીરતા દાખવી નથી અને અધિકારીઓ એકાબીજાને ખો આપી રહ્યા છે. એસોસીએશન દ્વારા કંપનીને આ જોખમી ટાવર દુર કરવાની જાણ કરવામાં આવી હતી છતાં કંપનીએ કોઈ કાર્યવાહી ન કરતાં ગત સોમવારે ફરી ઈન્ડર્સ ટાવર લીમીટેડનાં જવાબદાર અધિકારીઓને પણ આ જોખમી ટાવર તાત્કાલિક અસરથી દુર કરવામાં આવે તેવી લેખિતમાં જાણ કરી હતી અને એવું પણ જણાવ્યું હતું કે, ટાવરથી જો કોઈ નુકસાની થશે તો કંપનીનાં અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ તથા વળતરનો દાવો કરવામાં આવશે છતાં આજ સુધી કંપનીએ કોઇ જ ગંભીરતા દાખવી નથી. કોર્પોરેશને આ જોખમી ટાવર હટાવવાનાં બદલે ઓનર્સ એસોસીએશનને નોટીસ ફટકારી હોવાનું જાણવા મળી રહ્યું છે.