આજે વાઈલ્ડ લાઈફ ડે એશિયાટિક સાવજોનું જતન, સંરક્ષણ અને તેનું સંવર્ધન ‘આવશ્યક’
સમગ્ર વિશ્ર્વમાં આજે વાઈલ્ડ લાઈફ ડેની ઉજવણી કરવામાં આવશે ત્યારે દરેક દેશમાં આજરોજ જે થીમ રાખવામાં આવી છે તેનું નામ સસ્ટેઈનીંગ ઓલ લાઈફ ઓન અર્થ રાખવામાં આવ્યું છે પરંતુ સમગ્ર એશિયામાં જે એશિયાટીક સાવજોનું નામ છે તેને ચરિતાર્થ કરવા માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ હાલની સ્થિતિ જોતા સાવજો પોતાનું સ્થળ અને પોતાની ટેરેટરીથી દુર જઈ રહ્યા છે. સાવજ હરહંમેશ લોકો સાથે અને લોકોની પાસે રહેવાવાળુ વન્ય પ્રાણી છે પરંતુ હાલ અનેકવિધ મુદાઓના કારણે તે જંગલ વિસ્તાર છોડી શહેરી વિસ્તારમાં આવી ગયો છે.
વન મંત્રાલય દ્વારા જે ઈકો સેન્સેટીવ ઝોન વધારવામાં આવી રહ્યો છે તેમાં સ્થાનિક લોકોનું માનવું છે કે, આ હદને ઘટાડવી જોઈએ પરંતુ કયાંકને કયાંક રાજકારણ થવાના કારણે સાવજોને પણ ઘણી ખરી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા સાવજો નેસડામાં રહેતા લોકોની આજુબાજુમાં જ રહેતા હતા જયાં તેઓને તેમનો યોગ્ય ખોરાક પૂર્ણત: મળી રહેવા પામતો હતો પરંતુ ઈકો સેન્સેટીવ ઝોનની હદ વધવાના કારણે વન મંત્રાલય અને સ્થાનિક પ્રશાસન દ્વારા નેસડાઓને દુર કરવાનું સુચન કરતા સાવજોને ખોરાક માટે પણ વલખા મારવા પડતા હોવાનું સામે આવ્યું છે. અનેક વખત એ પ્રશ્ર્ન પણ ઉદભવિત થાય છે કે સાવજોએ તેનું ઘર શું કામ બદલવું પડયું છે. શું કામ તેઓએ તેમની ટેરેટરીને બદલવી પડી છે. શું કારણ છે તે હજુ સુધી સામે આવતું નથી. જયારે બીજી તરફ સાવજોમાં જે મારણ કરવા માટેની જે શકિત અને જે એટીટયુડ જોવો જોઈએ તેમાં પણ અનેકગણો ઘટાડો જોવા મળ્યો છે.
વન મંત્રાલય દ્વારા અને વન વિભાગ દ્વારા આ મુદ્દાને જો ગંભીરતાપૂર્વક લેવામાં નહીં આવે તો આની માઠી અસર આવનારા સમયમાં જોવા મળશે. હાલ જે રીતે સાવજોને મારણ આપવામાં આવી રહ્યું છે તેનાથી તેની આળસવૃતિમાં પણ અનેકગણો વધારો જોવા મળે છે જે રીતે સાવજ વન્ય પ્રાણીઓનું મારણ કરતા નજરે પડતો હતો તે હવે એવા પ્રાણીઓનું મારણ કરે છે કે જે વન્ય પ્રાણીઓ ન હોય અને સરળતાથી તેને મારી શકાય આ થવા પાછળ કયાંકને કયાંક વન વિભાગ કારણભુત હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. નેસડામાં વસતા માલધારીઓનું પણ કહેવું છે કે, વન વિભાગનાં કારણે તેઓને સાવજોથી દુર કરવામાં આવ્યા છે તેનાથી સાવજોની સ્થિતિ પણ કફોડી બની છે. આ મુદ્દે સ્થાનિક માલધારીઓનું માનવું છે કે, પહેલાના સમયમાં સાવજો જયારે નેસડામાં વસતા લોકો પાસે રહેતા હતા ત્યારે તેમની સારસંભાળ પણ સ્થાનિક પ્રશાસન દ્વારા લેવામાં આવતી હતી જે કોઈ સાવજ નેસડામાં વસતા માલધારીઓના માલઢોરનું મારણ કરતા તો તે ગૌરવ સમાન લાગતું હોવાનું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.
હાલના સાંપ્રત સમયમાં સાવજો પોતાની ટેરેટરી પણ ભુલી ગયા હોય તેવું લાગે છે જો સાવજોને યોગ્ય ખોરાક તેમના ટેરેટરીમાં જ મળી રહે તો તેને અન્ય સ્થળ પર જવું ન પડે ત્યારે હાલના સમયમાં ખોરાકની ખોજમાં સાવજ શહેર સુધી પહોંચી ગયો છે અને કોઈ દિવસ જે પ્રાણીઓનું મારણ ન કર્યું હોય તે પ્રાણીઓને પણ મારણ કરી તે પોતાનો ખોરાક બનાવે છે. જોવાનું એ રહ્યું કે શું ફરીથી આ સીલસીલો રાબેતા મુજબ ચાલુ રહ્યો તો તે સમય દુર નથી કે જયારે સાવજોએ તેમનું ઘર બદલવું પડશે.
- પાણીના સ્ત્રોત સૂકાતાં વન વિભાગ દ્વારા પાણીના કુંડા સાથે વન્ય પ્રાણીઓ માટેના ખોરાકની વ્યવસ્થા કરાઈ
જુનાગઢ જિલ્લાના સાસણ, સક્કરબાગમાં વન્ય પ્રાણીઓને સારવાર મળી રહી છે. આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીની વેટેનરી હોસ્પિટલમાં પણ આધુનિક સારવાર આપવામાં આવી છે. સારવાર ઉપરાંત પાણી માટે કુદરતી પાણીનાં સ્ત્રોત સુકાતા વન વિભાગ દ્વારા પાણીનાં કુડા ભરવા, ચેકડેમનું નિર્માણ કરવા સહિતની કામગીરી કરવામાં આવી છે. તેમનાં ખોરાક માટે પણ ખાસ વ્યવસ્થા હોય છે. તૃણાહારી પ્રાણીને ઘાસની તંગી ન સર્જાય તેવા પ્રયાસ પણ હાથ ધરવામાં આવી રહયા છે. માંસાહારી પ્રાણીનો જે ખોરાક છે તેવા પ્રાણીનાં સંવર્ધનની કાળજી લેવામાં આવી રહી છે. ટુંકમાં વન્ય પ્રાણીની ખોરાક, પાણી, યોગ્ય સારવાર સમયસર મળવાથી વૃધી થઇ રહી છે અને વન્યપ્રાણીઓ સાથે પર્યાવરણનું રક્ષણ અને જતન થઇ રહ્યું છે. આમ જોઈએ તો, જૂનાગઢ જિલ્લો અને ખાસ કરીને ગીર વિસ્તાર વન સંપત્તિનો ભંડાર છે, અહીંના વિવિધ પ્રકારના અલભ્ય વૃક્ષોને કારણે જુનાગઢ અને ગીરનો વન વિસ્તાર એક પ્રાકૃતિક ખજાના રૂપ છે, તો આ વિસ્તારમાં વસવાટ કરતા એશિયાટિક સિંહો જગવિખ્યાત છે, આ વનમાં દીપડા, મગર, કાળિયાર, ચિંકારા, ચિતલ, ચોશિંગા, લંગૂર, નીલગાય, મોર, સાંબર અને જંગલી ભૂંડની મોટી સંખ્યામાં બિન્દાસ અને મોજ થી વસવાટ કરે છે, તો રંગબેરંગી, ચિત્ર વિચિત્ર, અગણિત પશુ, પક્ષી અને પ્રાણીઓએ ગીરના વનને પોતાનું આશ્રય સ્થાન બનાવી વનની શોભા અને ખ્યાતિ વધારી છે.