શહેરમાં રખડતા પશુના આતંકની કોઈ નવી વાત નથી. ત્યારે ગઈકાલે વધુ એક શહેરીજનો રખડતા ઢોરના આતંકનો ભોગ બન્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. રખડતી ગાયે એક મહિલાને અડફેટે લઈ સતત બે મિનિટ સુધી ઢીંક ચડાવતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 15 જેટલા લોકોએ માંડમાંડ કરીને મહિલાને ગાયની ચુંગાલમાંથી મુક્ત કરાવી જીવ બચાવ્યો હતો.

શહેરના સતત ધમધમતા રણજીતરોડ પર આવેલી ચૌહાણ ફળી શેરી નંબર 2માં આ બનાવ બન્યો હતો. રાજકોટમાં રહેતા કાશ્મીરાબેન ગોહિલ તેમના પિતાને ત્યાં આવ્યા હતા. કાશ્મીરાબહેન પોતાના ઘર પાસેથી ચાલીને જઈ રહ્યા હતા ત્યારે જ એક ગાય તેની પાછળ પડી હતી. કાશ્મીરાબેને ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે, ગાયે તેને ઊંચકીને જમીન પર પટકાવી દીધા હતા. મહિલા સતત ઊભા થવાનો પ્રયાસ કરતા રહ્યા પણ થઈ ના શક્યા. સતત બે મિનિટ સુધી ગાયે ઢીંકે ચડાવતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

નાની એવી શેરીમાં જ્યારે ગાયે મહિલાને અડફેટે લીધા ત્યારે શેરીમાં કોઈ લોકોની અવરજવર ન હતી. પોતાની માતા પર ગાયે હુમલો કર્યાની જાણ થતા પુત્રી દોડી આવી હતી અને માતાને ગાયની ચુંગાલમાંથી મુક્ત કરાવવાનો હિંમતભર્યો પ્રયાસ કર્યો હતો. ગાયે બે વાર પુત્રીને પણ ઢીંકે ચડાવી દૂર ફેંકી દીધી હતી.

ગાય સતત બે મિનિટ સુધી મહિલા પર હુમલો કરતી રહી, આ સમયે તેને બચાવવા માટ એક તેની પુત્રી જ ઘટનાસ્થળ પર હાજર હતી. જો કે, આ સમયે આસપાસથી અન્ય લોકો પણ આગળ આવ્યા હતા અને ગાયને દૂર કરવાના પ્રયાસ કર્યા હતા. 15 લોકોએ સાથે મળીને મહામહેનતે ગાયને મુક્ત કરાવી હતી.

ગાયના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા મહિલાને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે.

આ વીડિયો જોઈ મનપા સત્તાધીશો જાગશે ખરા?

શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ એ કોઈપણ નાગરિક માટે નવી બાબત નથી. શહેરનો કોઈપણ વિસ્તાર એવો નહીં હોય કે, જ્યાં રખડતા ઢોરનો ત્રાસ નહીં હોય. આ ત્રાસથી મનપાના સત્તાધીશો અને અધિકારીઓ આંખ આડા કાન કરતું આવ્યું છે. તો બીજી તરફ લોકો અવારનવાર રખડતા ઢોરના ત્રાસનો ભોગ બનતા રહે છે. ત્યારે હવે તો મનપા પાસે રખડતા ઢોરના ત્રાસનો વીડિયોરૂપી આ પુરાવો છે. ત્યારે લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે મનપા જામનગરવાસીઓને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત ક્યારે કરશે?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.