મેલેરીયાના ૮, ટાઈફોઈડના ૫ અને કમળાના ૩ કેસો મળી આવ્યા: રાજકોટમાં માંગો તે તાવ ઉપલબ્ધ
ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરીયા સહિતના તાવે રાજકોટમાં રીતસર અજગરી ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ડેન્ગ્યુના વધુ નવ કેસો અને ચિકનગુનિયાના ૨૪ કેસો મળી આવ્યા છે. સાથો સાથ મેલેરીયા તાવના પણ ૮ કેસો મળી આવતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. શહેરમાં ઘેર-ઘેર માંદગીના ખાટલા ખડકાયા છે. દવાખાનાઓ રીતસર દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે.આ અંગે મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં અલગ અલગ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાંથી સામાન્ય અને તાવના ૨૨૩ કેસ, ઝાડા-ઉલ્ટીના ૧૬૭ કેસ, ટાઈફોઈડ તાવના ૫ કેસ, ડેન્ગ્યુ તાવના ૯ કેસ, ચિકનગુનિયાના ૨૪ કેસ, મરડાના ૧૪ કેસ, મેલેરીયા તાવના ૮ કેસ, કમળાના ૩ કેસો અને અન્ય તાવના ૨૪ કેસો મળી આવ્યા છે. મહાપાલિકા રોગચાળાના આંકડા છુપાવતી હોવાની પણ શંકા દિન-પ્રતિદિન પ્રબળ બની રહી છે. શહેરમાં એક જ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવે તો ચિકનગુનિયા અને ડેન્ગ્યુના ૫૦થી વધુ કેસો મળી આવે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. છતાં મહાપાલિકાના રેકોર્ડ પર સપ્તાહમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના માત્ર ૩૩ કેસો જ નોંધાયા છે.ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે રેકડી, દુકાન, ડેરીફાર્મ, હોટલ-રેસ્ટોરન્ટ બેકરી સહિત કુલ ૧૩૭ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૮૬૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી ૧૧ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. મચ્છરજન્ય રોગચાળા માટે શહેરમાં ૫૪૩૪૩ ઘરોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. મચ્છરના નાશ માટે ૪૯૩૯ ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. મચ્છરની ઉત્પતિ સબબ શાળા, કોલેજ, હોસ્ટેલ, હોસ્પિટલ અને બાંધકામ સહિત કુલ ૧૧૫ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૫૧ લોકોને નોટિસ ફટકારી ‚ા.૧૬૭૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. પાણી જન્ય રોગચાળાની અટકાયત માટે શહેરના ત્રણેય ઝોનમાંથી પીવાના પાણીના ૫૨૭ નમૂના લેવામાં આવ્યા હતા. ફલોરીંનેશન ટેસ્ટમાં બધા પાસ થયા છે અને પાણી પીવા લાયક હોવાનો રિપોર્ટ આવ્યો છે.