ચલો ચાંદ કે પાર ચલો… અંતરિક્ષની મુસાફરી કરવી કોને ન ગમે !! સૌ કોઈ અવકાશની શેર કરવા ઉત્સાહિત હોય… ઘણાં તો બાળપણથી જ અંતરિક્ષમાં જવાના સપનાઓ જોતાં હશે. આવું જ સપનું વિશ્વના સૌથી મોટા ધનકુબેર અને એમેઝોન કંપનીના સીઈઓ જેફ બેઝોસે જોયું હતું અને હવે તેમનું સપનું સાકર થવા જઈ રહ્યું છે. બાળપણના સ્વપ્નને પૂરા કરવા માટે અવકાશની યાત્રા પર જઈ રહ્યા છે. બેઝોસ આગામી 20 જુલાઈએ પોતાની કંપની ‘બ્લુ ઓરિજિન’ના રોકેટ પર અવકાશયાત્રા પર જશે. માત્ર તે એક નહીં તેમની સાથે તેમના ભાઈ માર્ક બેઝોસ પણ જશે.

અહેવાલ અનુસાર, જેફ બેઝોસ આ સફર દરમિયાન કુલ 11 મિનિટ અવકાશમાં રહેશે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બેઝોસની કુલ સંપત્તિ 190 અબજ ડોલર છે. રસપ્રદ વાત એ છે કે જેફ બેઝોસ પાસે તેમનું પોતાનું વૈભવી યાટ એટલે કે જહાજ છે, તેઓ જ્યારે પણ ઇચ્છે ત્યારે વિશ્વના કોઈપણ સમુદ્રમાં ફરવા જઈ શકે છે. બેઝોસ તેના પરિવાર અને મિત્રો માટે એક સંપૂર્ણ ટાપુ પણ ખરીદી શકે છે અને ત્યાં વૈભવી જીવન જીવી શકે છે. આ બધુ હોવા છતાં, જેફ બેઝોસ અવકાશમાં જવાનું સ્વ્પન પૂર્ણ કરવા અને એ પણ અંતરિક્ષમાં ફક્ત 11 મિનિટ જવા જીવનું મોટું જોખમ લેશે. તેમનો જીવ પણ ખતરામાં મુકાઇ શકે છે. ચાલો સમજીએ કે જેફ બેઝોસને તેમની આ અવકાશયાત્રામાં ક્યા પડકારોનો સામનો કરવો પડશે.

Screenshot 6 1

આ યાત્રા જોખમોથી ભરેલી છે, યાદ છે ને… કલ્પના ચાવલાએ પણ જીવ ગુમાવ્યો હતો

અવકાશમાં મુસાફરી હંમેશા જોખમોથી ભરેલી જ હોય છે. ભારતીય મૂળના અવકાશયાત્રી કલ્પના ચાવલાનું અવકાશ યાન અકસ્માતમાં મોત થયું હતું. આ ભયને ધ્યાનમાં રાખીને, બેઝોસની કંપની બ્લુ ઓરિજિન છેલ્લા એક દાયકાથી તેના નવા શેફર્ડ રોકેટ પર ખૂબ જ સખત મહેનત કરી રહી છે. આ રોકેટના ઘણા સફળ પરીક્ષણો થયા છે. બેઝોસ અને તેમના ભાઈ માર્ક બેઝોસ જે રોકેટ પર જઈ રહ્યા છે તે સંપૂર્ણપણે ઓટોનોમસ એટ્લે કે સ્વાયત છે. જો કે, આમાં પણ એક ભય છે. અમેરિકન ટીવી ચેનલ સીએનએનના અહેવાલ મુજબ, બેઝોસ પોતાના જીવનને હથેળીમાં રાખી આ અંતરિક્ષ યાત્રા કરવા જઈ રહ્યા છે. ઘણીવાર જ્યારે આપણે અંતરિક્ષ યાત્રા વિશે વિચારીએ છીએ, ત્યારે આપણા મનમાં એવા પણ વિચાર આવે છે કે અવકાશયાત્રીઓ અવકાશમાં જાય આટલે પૃથ્વીની ફરતે જાણે તરતા હોય તેમ લાગે છે. પરંતુ જેફ બેઝોસ અને તેની સાથેના અન્ય મુસાફરો આમ કરશે નહીં. તેઓ માત્ર અવકાશમાં જશે અને પછી ફક્ત 11 મિનિટમાં જ પાછા આવતા રહેશે. અહેવાલ મુજબ, બેઝોસની ફ્લાઇટ ફક્ત પૃથ્વીથી લગભગ 100 કિ.મી.ની ઊચાઇએ પહોંચશે. જેને બાહ્ય અવકાશની શરૂઆત માનવામાં આવે છે.

Screenshot 7 1

બેઝોસ રોકેટથી અવકાશમાં જશે અને સ્પેસ કેપ્સ્યુલની મદદથી પરત ફરશે

અંતરિક્ષમાં લઈ જવા માટે રોકેટની અંદર એટલી શક્તિ હોવી જોઈએ કે તે રોકેટને ઓછામાં ઓછા 27 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે. ખરેખર, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અવકાશયાનને પોતાની તરફ ખેંચી શકે છે. તેથી ખૂબ જ ઝડપે ઉડવું જરૂરી છે. બેઝોસનું નવું શેફર્ડ રોકેટ એક સબરોબિટલ ફ્લાઇટ છે અને તે અવાજની ગતિથી ત્રણ ગણી ઝડપથી અવકાશમાં જશે. જ્યાં સુધી તેનું મોટાભાગનું બળતણ સમાપ્ત ન થાય ત્યાં સુધી તે સીધું જ અવકાશમાં જશે. આ પછી, જ્યારે રોકેટ સૌથી વધુ ઊચાઇએ પહોંચે છે ત્યારે ક્રૂ કેપ્સ્યુલ રોકેટથી અલગ થઈ જશે. આ દરમિયાન, આટલી ઊચાઇએ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ગુમાવવાને કારણે ક્રૂ પણ થોડી મિનિટો વજનહીનતાનો અનુભવ કરશે. આ પછી, સ્પેસ કેપ્સ્યુલ બેઝોસને પૃથ્વી તરફ લઈ જશે. આ પછી ન્યુ શેફર્ડ રોકેટ તેની ગતિ ઘટાડવા માટે પેરાશૂટ ખોલશે. બીજી બાજુ, રોકેટ અલગથી ઉપડશે અને તેનું એન્જિન ફરી શરૂ કરશે. આ પછી, તેના કમ્પ્યુટરની મદદથી, તે યોગ્ય સ્થળે ઉતરશે.

Screenshot 8

જાણો સ્પેસ ફ્લાઇટમાં બેઝોસને કેટલું જોખમ છે ??

બેઝોસની કંપની બ્લુ ઓરિજિનનું ન્યુ શેફર્ડ કેપ્સ્યુલ સંપૂર્ણપણે સ્વચાલિત છે અને તેને પાયલોટની જરૂર નથી. હજી સુધી 15 ટેસ્ટ ફ્લાઇટ્સમાં આ કેપ્સ્યુલ સાથે ક્યારેય અકસ્માત થયો નથી. આનો અર્થ એ છે કે બેઝોસના સ્પેસફ્લાઇટમાં ઓછું જોખમ છે. જો કે, આનો અર્થ એ નથી કે બેઝોસની ફ્લાઇટ સંપૂર્ણપણે ભયથી મુક્ત છે. સબરોબીટલ ફ્લાઇટને લીધે, આ રોકેટને પૃથ્વીની કક્ષામાં ફરીથી પ્રવેશ કરવાની તીવ્ર ગતિ અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં. આ જોખમ ઘટશે. હકીકતમાં, જ્યારે અવકાશયાન પૃથ્વીની કક્ષામાં ફરીથી પ્રવેશ કરે છે, ત્યારે તેનું તાપમાન 3500 ડિગ્રી ફેરનહિટ સુધી પહોંચે છે. આને કારણે અંદર બેઠેલા અવકાશયાત્રીઓને ભારે દબાણનો સામનો કરવો પડે છે. વધુ ગતિ અને ઊચાઇને કારણે તેમાં ઘણાં જોખમો છે. એક નાની ભૂલ પણ જીવલેણ બની શકે છે. બેઝોસ આશરે 3,50,000 ફૂટની ઊચાઇએ જઈ રહ્યા છે. તે અહીં જે કેપ્સ્યુલ લઈ રહ્યા છે તેને સ્પેસસુટ પહેરવાની જરૂર રહેશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.