આશિષ વાગડિયા, સોફિયાબેન દલ, હિરલ મહેતા, જ્યોત્સનાબેન ટીલાળા, પરેશ હરસોડા, ઉર્વશીબા જાડેજા, વર્ષાબેન રાણપરા, માસુબેન હેરભા અને અનિતાબેન ગૌસ્વામી પર ટિકિટ કપાવાનું જોખમ

કમલેશ મીરાણી કે પુષ્કર પટેલ બેમાંથી એકે વોર્ડ બદલવો પડશે: અનિલ રાઠોડ, દલસુખ જાગાણી, અજય પરમાર, રાજુ અઘેરા, ઉદય કાનગડ, વશરામ સાગઠિયા નવા વોર્ડની શોધમાં

રાજકોટ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીને આડે હવે બે મહિના જેટલો જ સમય ગાળો બચ્યો છે.મુદત પૂર્ણ થઇ ગઇ હોવા છતાં ગુજરાતમાં કોરોનાના કારણે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચુંટણી ત્રણ મહિના પછી ઠેલવવામાં આવી છે.આગામી ફેબ્રુઆરી માસના અંતમાં મહાપાલિકાની ચૂંટણી યોજાય તેવી સંભાવના છે. શહેરમાં ચાર નવા ગામોનો સમાવેશ થયા બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 18 વોર્ડ અને 72 બેઠકો યથાવત રાખવામાં આવી છે. આ ઉપરાંત અનામતમાં પણ મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો હોય ભાજપ અને કોંગ્રેસના મોટા માથા ઉપર ટિકિટ કપાવાનું જોખમ ઝળુંબી રહ્યું છે કેટલાકે નવા વોર્ડ પણ શોધવા પડે તેવી સ્થિતિનું નિર્માણ સર્જાયું છે. બીજી તરફ ગઈકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલે એવું નિવેદન આપ્યું હતું કે સંગઠનમાં હોદ્દાઓ ધરાવનારને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે નહીં જો આ નિયમોની અમલવારી કરવામાં આવે તો ખુદ કમલેશ મીરાણીએ પણ ઘરે બેસી જવું પડશે. રાજકોટ મહાનગર પાલિકાની હદમાં ચાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં એક પણ બોર્ડ કે બેઠકમાં વધારો કરાયો નથી.આવામાં આ ચારે ગામોના રાજકીય માથાઓને સાચવવા પણ બંને પક્ષ માટે પડકાર  બની જશે. 2015માં યોજાયેલી ચૂંટણીની બાદ આ વખતે અનામતમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે ભાજપ અને કોંગ્રેસના મોટા માથા ઉપર જોખમ વધી ગયું છે અનેક સિનિયર ઓએ નવો વોર્ડ શોધવો પડે તેવી સ્થિતિ સર્જાઈ જવા પામી છે અને પક્ષના આદેશ મુજબ નવા વોર્ડની શોધમાં પણ લાગી ગયા છે. વોર્ડ નંબર 1માં અગાઉ એક બેઠક અનુસૂચિત આદિજાતિ માટે અનામત હતી આ બેઠક પર ભાજપના પ્રતીક પરથી ગત ટર્મમાં આશિષ વાગડિયા ચૂંટાઈ આવ્યા હતા. આ વખતે અનુસૂચિત આદિજાતિની અનામત રદ્દ થઇ છે અને તે વોર્ડ નંબર 15 ગઈ છે.અગાઉ પુરૂષ અનામત આ બેઠક હવે મહિલા બેઠક માટે અનામત જાહેર કરવામાં આવી હોય આશિષ વાગડિયા પર ટિકિટ કપાવાનું જોખમ ઊભું થયું છે. આ ઉપરાંત મોટા માથા ઉપર નજર કરવામાં આવે તો વોર્ડ નંબર-5માં પુરુષ બે બેઠક પૈકી એક બેઠક ઓબીસી અનામત હતી.જે પર અનિલ રાઠોડ ચૂંટણી લડી જીત્યા હતા. હવે વોર્ડમાં ઓબીસી અનામત રદ થઈ છ. અને અનુસૂચિત જાતિ અનામત આવી છે.તો બીજીતરફ વોર્ડ નંબર-6માં પુરુષોની બેમાંથી એક બેઠક જે ઓબીસી અનામત બેઠક હતી. તે રદ કરવામાં આવી છે. આવામાં દલસુખ જાગાણી પણ ટિકિટનું જોખમ ઝળુંબી રહ્યું છે.રાઠોડ અને જાગાનીએ હવે નવા વોર્ડ શોધવા પડશે. વોર્ડ નંબર-7મા અગાઉ બંને મહિલા બેઠક સામાન્ય હતી. જે આ વખતે અનુસૂચિત જાતિ માટે એક બેઠક અનામત જાહેર કરવામાં આવી હોય મીનાબેન પારેખ કે હિરલબેન મહેતા બે માંથી ગમે તે એકે એવોર્ડ ફેરવવું પડશે અથવા તેઓની ટીકીટ કપાશે. વોર્ડ નંબર-7માં બે પુરુષ બેઠકો પૈકી એક બેઠક ઓબીસી જ્ઞાતિ માટે અનામત હતી. જે આ વર્ષે આ વખતે રદ કરવામાં આવી છે. જેના કારણે અજય પરમારની ટિકિટ પર પણ જોખમ ઉભુ થયું છે.તો વોર્ડ નંબર 8માં એક બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત હતી.જે રદ કરવામાં આવતાં રાજુ અઘેરાએ હવે નવો વોર્ડ શોધવા પડે તેવી સ્થિતિ સર્જાય છે.વોર્ડ નંબર-9માં અગાઉ બંને પુરુષ બેઠકો સામાન્ય હતી આ વખતે એક બેઠક ઓબીસી કેટેગરી માટે અનામત જાહેર કરવામાં આવી છે. આવામાં કમલેશ મીરાણી કે પુષ્કર પટેલ બન્નેમાંથી કોઇ એકે નવો વોર્ડ શોધવો પડશે. વોર્ડ નંબર-10ની વાત કરવામાં આવે તો અગાઉની ટર્મમાં બધી બેઠકો સામાન્ય હતી.જેના બદલે આ વખતે એક મહિલા બેઠક ઓબીસી અનામત જાહેર કરવામાં આવી હોય બીનાબેન આચાર્ય કે જ્યોત્સનાબેન ટીલાલા બન્નેમાંથી કોઈ એકે ટિકિટમાંથી હાથ ધોવા પડશે કે નવા વોર્ડ માંથી મેદાનમાં ઉતરવું પડશે. વોર્ડ નંબર 11માં પુરુષોની બંને બેઠકો સામાન્ય હતી આ વખતે એક પુરુષ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત કરવામાં આવી હોય ઘનશ્યામસિંહ જાડેજા કે પરેશ હરસોડા માંથી ગમે તે એક કપાય તેવી શક્યતા લાગી રહી છે. વોર્ડ નંબર- 12માં બંને મહિલા બેઠકો સામાન્ય હતી. જેને બદલે આ વખતે એક મહિલા બેઠક ઓબીસી અનામત જાહેર કરવામાં આવી હોય આ વખતે ઉર્વશીબેન પટેલ કે ઉર્વશીબા જાડેજા બેમાંથી એકની ટિકિટ કપાશે.વોર્ડ નંબર 13માં એક પુરુષ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત હતી. જે રદ કરવામાં આવતા રવજી ખીમસુરીયા કપાઈ તેવું લાગી રહ્યું છે. જ્યારે વોર્ડ નંબર 14માં મહિલા અનામત એવી બંને બેઠકો સામાન્ય હતી. જેના બદલે આ વખતે એક મહિલા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી હોય કિરણબેન સોરઠીયા કે વર્ષાબેન રાણપરા માંથી ગમે તે એક ની ટિકિટ કપાસે. આ જ વોર્ડમાં પુરુષની બે બેઠકો પૈકી એક ઓબીસી અનામત હતી જે આ વખતે રદ કરવામાં આવતા ભાજપના સિનિયર કોર્પોરેટર ઉદયભાઇ કંગળને  વોર્ડ ફેરવવા પડે તેવી સ્થિતિનું નિર્માણ સર્જાયું છે. વોર્ડ નંબર 15માં પુરુષ એક બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત હતી.જે રદ કરવામાં આવી છે આવામાં વશરામભાઈ સાગથિયાએ પણ ટીકીટ માટે કસરત કરવી  પડે તેવી સ્થિતિ સર્જાય છે. જ્યારે આ જ વોર્ડમાં મહિલા બેઠકો બંને સામાન્ય હતી તેના બદલે આ વખતે એક મહિલા બેઠક અનુસૂચિત આદિજાતિ માટે અનામત જાહેર કરવામાં આવી હોય ભાનુબેન ચોરાણી કે માસુબેન હેરભા બેમાંથી કોઈ એકની ટિકિટ કપાશે. ગત ટર્મમાં નંબર 16,17 અને 18ની તમામ 12 બેઠકો સામાન્ય રાખવામાં આવી હતી. તેના બદલે આ વખતે વોર્ડ નંબર 17 માં મહિલાની બન્ને બેઠક સામાન્ય રાખવામાં આવી છે.

સી.આર.પાટીલના નિવેદનથી સંગઠનના હોદ્દેદારો ટેન્શનમાં

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગઈકાલે એવું નિવેદન આપ્યું હતું કે હવે પક્ષ દ્વારા ઘરદીઠ એક જ હોદ્દો આપવામાં આવશે.સંગઠનમાં હોદ્દો ભોગવી રહેલા વ્યક્તિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે નહીં. પટેલના આ નિવેદન બાદ સંગઠનના હોદ્દેદારો ગઇકાલથી જ ટેન્શનમાં મુકાઈ ગયા છે.જો પ્રદેશ પ્રમુખના આ નિવેદનની ચુસ્તપણે અમલવારી કરવામાં આવે તો રાજકોટમાં ખુદ શહેર ભાજપ પ્રમુખ અને છેલ્લા ચાર ટર્મથી નગર સેવક તરીકે ચૂંટાઇ આવતા કમલેશ મીરાણીની ટિકિટ કપાવાનું ભય ઉભો થાય તેમ છે. મીરાણીને બીજી વખત શહેર ભાજપ પ્રમુખ તરીકે રિપીટ કરવામાં આવ્યા છે. જો નિયમાનુસાર તેઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપવામાં ન આવે તો વોર્ડ નંબર 9માં પુષ્કરભાઈ પટેલ ફાઇનલ માનવામાં આવી રહ્યા છે. સી.આર. પાટીલનું ચૂંટણી પૂર્વેનું આ નિવેદન ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ તેની ચુસ્તપણે અમલવારી કરવામાં આવશે કે કેમ તે અંગે પણ સવાલો સર્જાઈ રહ્યા છે. ભાજપના કેટલાક સિનિયર નગરસેવકો હવે કોર્પોરેશન લડવા માંગતા નથી.આવામાં તેઓની સ્વેચ્છિક નિવૃતિનો સ્વીકાર કરી લેવામાં આવે અને પ્રદેશ પ્રમુખના નિવેદન મુજબ કમલેશ મીરાણી એની પણ ટિકીટ કપાય તો મહાપાલિકામાં નવા નિશાળિયા આવે અને બિનઅનુભવીથી મહાપાલિકા ચલાવવી અઘરી બની જાય.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના વોર્ડમાં સૌથી વધુ ગૂંચવણ !

રાજ્ય ચૂંટણીપંચ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો માટે અનામતની જાહેરાત કરાયાના દિવસથી જ સૌથી વધુ ગૂંચવણ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના મત વિસ્તાર એવા વોર્ડ નંબર 9માં થવા પામી છે. 2015માં અહીં ચાર પૈકી એક પણ બેઠક અનામત જાહેર કરવામાં આવી ન હતી. આ વખતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ત્રીજા નંબરની પુરુષ બેઠક પછાત વર્ગ એટલે કે ઓબીસી કેટેગરી માટે અનામત જાહેર કરવામાં આવી છે. હવે ગૂંચવણ ઊભી થવા પામી છે કે ગત ટર્મમાં અનામત ન હોવા છતાં ભાજપે બંને મહિલા બેઠકો ઓબીસી મહિલાઓને આપી હતી અને ભાજપની ટિકિટ પર રૂપાબેન શીલુ તથા શિલ્પાબેન જાવિયા  વિજેતા પણ બન્યા હતા. આ વખતે પુરુષ બેઠક ઓબીસી અનામત જાહેર કરવામાં આવી છે હવે જો રૂપાબેન શીલું અને શિલ્પાબેન જાવિયાને રિપીટ કરવામાં આવે તો આ બંને બેઠકો ઓબીસી કેટેગરી ને આપવામાં આવી તેવું મનાય અને અનામત કેટેગરી મુજબ એક પુરુષ બેઠક ફરજિયાત ઓબીસી જ્ઞાતિ આપવી પડે તેમ હોય આવામાં વોર્ડની ચાર પૈકી ત્રણ બેઠકો ઓબીસીને આપી દેવામાં આવે તો અસંતોષનો ચરુ આસમાને પહોંચે તેવી સંભાવના જણાઈ રહી છે. મીરાની કે પટેલ બેમાંથી કોઇ એકે વોર્ડ બદલવો પડશે તે વાત તો ફાઈનલ છે . આ બંને પૂર્વે મહિલા  કોર્પોરેટરમાંથી કોઈ એકના પતિદેવને ટિકિટ આપી દેવામાં આવે અને ગૂંચવણને ઉકેલી લેવાય પરંતુ હાલ તમામ શક્યતાઓ જો અને તો વચ્ચે રમી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.