શનિવારે બપોરથી ઉપરવાસમાં ૩ ઈંચ અને વડોદરામાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના। કારણે આજવા ડેમમાં પાણીની આવક થઈ હતી. આજવા ડેમ સતત ચોથા દિવસે ૨૧૧.૬૦ ફૂટથી ઓવરફ્લો થતા ૧૨૦૦ ક્યુસેક પાણી છોડવાનુ ચાલુ જ હતું. એવામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધવા લાગતાં ૨૮.૧૫ ફૂટ થઈ ગઈ હતી. બીજી તરફ આગામી ૩૬ કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી અપાતા ગુજરાત સરકારે વડોદરાને ૩૬ કલાક માટે હાઈએલર્ટ કર્યું છે અને નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસી જવાની ચેતવણી આપી છે. જે જોતાં વડોદરામાં ફરી પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે.
ગત તા. ૩૧મી જૂલાઈના બપોરે ૨ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધીના ૮ કલાકમાં જ ૨૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેવો જ ભારે વરસાદ આજે શનિવારે બપોરના ૨ વાગ્યાથી શરૂ થઈ ગયો હતો. હાલોલ, પાવાગઢ, વાઘોડિયા તાલુકો, પ્રતાપપુરા સહિતના ઉપરવાસમાં બપોરના ૨ કલાકથી સાંજના ૬ કલાક સુધીમાં ૩ ઈંચ અને વડોદરામાં ૮૭ મિમી એટલે કે સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો અને આ લખાય છે ત્યારે મોડી સાંજના ૭ વાગ્યા સુધીમાં એકધારો ભારે વરસાદ ચાલુ જ હતો.