ડાંગ: ગરીબોના બેલી એવા વડાપ્રધાનની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે, જનકલ્યાણના સેવાયજ્ઞ માટે સમર્પિત, સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત આયોજિત, “ગરીબ કલ્યાણ મેળો” આહવા ખાતે યોજાયો હતો. સરકારના જુદા જુદા 25થી વધુ વિભાગોની વ્યક્તિલક્ષી યોજનાઓના 1,439થી વધુ લાભાર્થીઓને, આ ગરીબ કલ્યાણ મેળા દરમિયાન કુલ રૂ. 4,27,41,120થી વધુની રકમના વિવિધ લાભો એનાયત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય વિજય પટેલે, ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને મળેલા વિવિધ સાધન/સહાયનો સદ્ઉપયોગ કરી, પગભર થવાની હાંકલ કરી હતી.
ડાંગ સ્વરાજ આશ્રમ, આહવા ખાતે આયોજિત આ ‘ગરીબ કલ્યાણ મેળા’મા સરકારના જુદા જુદા 12 વિભાગોની 30થી વધુ યોજનાઓના લાભાર્થીઓને મેળા દરમિયાન, મેળા અગાઉ અને મેળા બાદ પણ લાભાન્વિત કરવાની સરકારની વિભાવના સ્પષ્ટ કરતા વિજય પટેલે, વ્યક્તિગત યોજનાઓના જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિવિધ સાધન/સહાય એનાયત કરવા સાથે, મેળા અગાઉ અને મેળા બાદ પણ, પાત્રતા ધરાવતા લાભાર્થીઓની નોંધણી કરવાની કામગીરી અવિરતપણે ચાલી રહી છે. ત્યારે, આજના આ ‘ગરીબ કલ્યાણ મેળા’ દરમિયાન મુખ્ય સ્ટેજ અને પેટા સ્ટેજ ઉપરથી એનાયત કરાયેલા વિવિધ લાભો ઉપરાંત, આ મેળા અગાઉ 7 હજાર 504 લાભાર્થીઓને કુલ રૂ. 8 કરોડ, 58 લાખ, 62 હજાર 499નો લાભ એનાયત કરવામા આવી ચૂક્યા છે.
ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે આયોજિત આ ‘ગરીબ કલ્યાણ મેળા’ દરમિયાન, ડીસા ખાતે આયોજિત રાજ્ય કક્ષાના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ નિહાળવા સાથે, ડાંગના લાભાર્થીઓ અને મહાનુભાવોએ ‘સ્વચ્છતા હી સેવા’, અને ‘ગરીબ કલ્યાણ મેળો’ વિષયક દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓએ, મુખ્ય સ્ટેજ ઉપરથી તેમના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. ઉપસ્થિત સૌએ સામુહિક રીતે ‘સ્વચ્છતા શપથ’ પણ ગ્રહણ કર્યા હતા. મુખ્ય સ્ટેજ ઉપરાંત સોળ જેટલા પેટા સ્ટેજ ઉપરથી પણ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને જુદા જુદા લાભોનુ વિતરણ કરાયુ હતુ. કાર્યક્રમ સ્થળે ડાંગ પોલીસે તેમની કામગીરીનું નિદર્શન રજૂ કર્યું હતું. તો આરોગ્ય વિભાગે તબીબી કેમ્પ પણ અહીં યોજ્યો હતો. મહાનુભાવોએ પેટા સ્ટેજની પણ મુલાકાત લીધી હતી. આ સાથે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.