આગામી તારીખ 15મી નવેમ્બરના રોજ ‘જન જાતીય ગૌરવ દિવસ’ ઉજવણીના રાજ્ય કક્ષાના સંભવિત કાર્યક્રમમા પધારનાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યક્રમ સંદર્ભે, ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટી તંત્રની એક બેઠક યોજાઇ હતી. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમા મુખ્યમંત્રીના કાર્યક્રમ સબંધિત કરવાની થતી પ્રોટોકોલ મુજબની કામગીરી અંગે, સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેકટર મહેશ પટેલે વિગતે ચર્ચા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
બેઠક બાદ કલેક્ટર સહિત જિલ્લા પોલીસ વડા, નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળો અને હેલીપેડ ખાતે સ્થળ ચકાસણી કરવામા આવી હતી. બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર, જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા, નિવાસી અધિક કલેક્ટર બી.બી.ચૌધરી, નાયબ વન સંરક્ષકો સર્વ રવિ પ્રસાદ, અને દિનેશ રબારી, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલીયા સહિત સબંધિત ઉચ્ચ/વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.