અબતક, નવી દિલ્હી

ટાટા મોટર્સ ફ્રેન્ચાઈઝી મોડેલ ઉપર સ્ક્રેપેજ સેન્ટર એટલે કે વાહનના ભંગારના ડેલા ખોલવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીનું પ્રથમ કેન્દ્ર આગામી પાંચેક મહિનામાં શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. કંપનીના એક ટોચમાં અધિકારીએ આ માહિતી જાહેર કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી જાહેર કરી હતી. આ પોલિસીની જાહેરાત સમયે યોજાયેલી ઇન્વેસ્ટર સમિટમાં ટાટા મોટર્સ અને મહિન્દ્રા રી-સાયકલિંગ સહિતની 7 કંપનીઓએ વાહનોના રિસાયકલિંગ માટે કરાર કર્યા હતા.

આમાંથી 6 એમઓયુ ગુજરાત સરકાર સાથે જ્યારે એક કરાર આસામ સરકાર સાથે કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસે અગાઉ જણાવ્યું કે, ગુજરાત સરકાર સાથે 6 કંપનીઓએ જે કરાર કર્યા છે તે અંતર્ગત રાજ્યમાં આવતા દિવસોમાં વાર્ષિક 3 લાખથી વધુ વાહનોને રીસાયકલ કરવાની ક્ષમતા ઊભી થશે. ત્યારબાદ ટાટા મોટર્સ દ્વારા સતાવાર જાહેર કરવામાં આવ્યું હતું કે તેઓ અમદાવાદ ખાતે પોતાનો સ્ક્રેપ યાર્ડ ખોલશે.

 ટાટા મોટરસે વ્હીકલ સ્ક્રેપેજ સેન્ટર ખોલવા માટે ફ્રેન્ચાઈઝી મોડેલ અપનાવવાની તૈયારીઓ શરૂ કરી

આ માટે તેઓએ સરકાર સાથે મળીને જરૂરી કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. ટાટા મોટર્સના વાણિજ્યક વાહનના કાર્યકારી નિર્દેશક અને અધ્યક્ષ ગિરીશ વાઘે આ અંગે જણાવ્યું કે દેશમાં દર વર્ષે 25000 જેટલા ટ્રક ભંગાર થાય છે. સામે આપણી પાસે તેના માટે ઉચિત વ્યવસ્થા નથી. અમે એક યુરોપિયન વિશેષજ્ઞ સાથે કરાર કર્યા છે. તેમની મદદથી અમે એક મોડેલ કબાડખાનું બનાવ્યું છે.

તેઓએ કહ્યું કે કંપનીએ ફ્રેન્ચાઇઝી મોડેલની મદદથી કબાડખાનું ખોલવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેઓએ કહ્યું કે અમદાવાદમાં તૈયાર થનાર સ્ક્રેપ યાર્ડમાં દર વર્ષે 36 હજાર જેટલા વાહનોને ભંગારમાં રૂપાંતરિત કરી શકાશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં જેટલી કારનું ઉત્પાદન થાય છે તેમાંથી ત્રીજાભાગની કાર ગુજરાતમાં બને છે. દેશમાં વાર્ષિક 36 લાખ કાર ઉત્પાદન થાય છે જેમાંથી 12 લાખ જેટલી ગાડીઓ ગુજરાતમાં બને છે. હવે જ્યારે કેન્દ્ર સરકારે વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી જાહેર કરી છે અને તેમ ગુજરાતે જે પ્રકારે ઇમ્પલિમેન્ટ કર્યું છે તેના કારણે રાજ્ય હવે દેશભરમાં કારનું ’મોક્ષધામ’ પણ બની જશે.વધુમાં દેશમાં કુલ 7 સ્ક્રેપ યાર્ડ ખોલવાની જાહેરાત થઈ છે.

જેમાં 6 સ્ક્રેપ યાર્ડ ગુજરાતમાં જ ખુલવાના છે. જેની વિગતો જોઈએ તો ટાટા મોટર્સ અમદાવાદ ખાતે, સેરો-મહિન્દ્રા રી-સાયકલિંગ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદમાં, સીએમઆર કટારિયા ખેડામાં, મોડેસ્ટ ઇન્ફ્રા રતનપરામાં, મેસ્કોટ એન્જીટેક ઘોઘા/માલપુર, મોનો સ્ટીલ સિહોરમાં અને એસ એમ ગ્રુપ આસામમાં સ્ક્રેપ યાર્ડ ખોલશે. જેની મદદથી ઓટોમોબાઇલ ઉદ્યોગ અને સહાયક ઉદ્યોગને ટેકો મળશે. જે બધા માટે લાભકારક હશે. આ માળખું વધુ રોકાણોને પ્રોત્સાહન આપશે અને કાચા માલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરશે. સ્ક્રેપેજ પોલિસી એ એક રામબાણ ઈલાજ છે જે ઓટો અને તેને સંલગ્ન ઉદ્યોગોમાં રોજગારી પેદા કરવા માટે યોગ્ય તક પ્રદાન કરશે અને સેક્ટરને વધુ સંગઠિત બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.