- ભારતમાં કુચીપુડી, ભારત નાટ્યમ, કથ્થક, ઓડિસી, કથ્થકકલી, ગરબા, મણિપુરી, ભાંગડા જેવા વિવિધ નૃત્યોના પ્રકારો છે : ગુજરાતના ગરબા જે દેશ વિદેશોમાં પણ આજે પ્રસિદ્ધ છે : ભારતના દરેક રાજ્યોમાં પોતાના નૃત્યો અને લોક કલાઓનો અમૂલ્ય વારસો છે
- હિન્દુઓના દેવતા શિવ ભગવાનને નૃત્યના દેવતા તરીકે પૂજાય છે, તેનું શિવતાંડવ, શ્રીકૃષ્ણનો ગોપીરાસ, અને મહાકાલી માતાનું ઉગ્ર અને પ્રકોપી નૃત્ય પ્રાચીન કાળમાં જોવા મળેલ છે, આમ દેવી-દેવતાના યુગથી જ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ નૃત્ય રહ્યો છે
- આઠ હજાર વર્ષ પહેલાના ગુફા ચિત્રોમાં પણ નૃત્યનાં ચિત્રો જોવા મળ્યા હતા: 1600 ના દાયકાથી ભારતમાં કથ્થક નૃત્યનો પ્રારંભ થયો હતો
આજનો દિવસ વિશ્વમા નાચો, ગાવો અને ઝુમવાનો છે. પૃથ્વી પર વસતો ગમે તે માનવી કે પશુ-પંખીઓ આનંદ વ્યકત કરવા ઝુમવા લાગે છે, નૃત્ય કરે છે. આજે વૈશ્ર્વિક નૃત્ય કે ડાન્સ દિવસ છે. નૃત્ય માનવ જીવન સાથે જન્મજાત જોડાયેલો ભાગ છે. નાનકડા બાળકો પણ ગીત, સંગીત સાંભળે છે, ત્યારે ઝુમવા લાગે છે. નવરાત્રીમાં પ્રાચિન અર્વાચિન ગરબા નૃત્ય કે ડિસ્કો દાંડીયા નર્તનનો એક ભાગ છે.નૃત્ય માનવ ઇતિહાસમાં 8000 બીસી પૂર્વે ભારતના ગુફા ચિત્રોમાં પણ જોવા મળે છે, આ અગાઉ 3300 બીસીથી ઇજિપ્તવાસીઓના આશ્રય સ્થાનોમાં તેના ચિત્રો જોવા મળ્યા હતા.
માનવસૃષ્ટિના વિકાસ સાથે 1600 મી સદીમાં કથક નૃત્યનો ભારતમાં પ્રારંભ થયો હતો. ભારતમાંથી ઉદભવતા નૃત્યના વિવિધ આઠ સ્વરુપોમાંથી તે એક છે. મંદિરો અને ધાર્મિક નૃત્યનો પણ આપણાં દેશમાં ઇતિહાસ જોવા મળે છે.વિશ્વની પ્રથમ સત્તાવાર ડાન્સ સ્કુલ, રોયલ એકેડમી ઓફ ડાન્સની સ્થાપના ફ્રાન્સ દેશમાં થઇ હતી. 1800 મી સદીમાં આધુનિક ડાન્સ કે નૃત્યની શરુઆત થઇ હતી. શાસ્ત્રીય નૃત્યો જેવા કે જાઝ, ટેપ, સાલસા અને હિપ-હોપ તરફ આગળ વધીને નૃત્યનો વિકાસ થયો હતો.
આજના દિવસની ઉજવણી પરિવાર સાથે બાળથી મોટેરા સૌ સાથે મળીને કરો, સાથે જીવનમાં નૃત્યની મહત્તા પણ સમજવી જરુરી છે. નૃત્ય કે ડાન્સની જનજાગૃતિ સાથે તેની ઉત્સાહ ઉમંગથી ઉજવણી કરશો. 1970 માં હિપ હોપ ડાન્સની શરુઆત થઇ અને ડી.જે.ના તાલે ગીત વાદ્યો સાથે લોકપ્રિય થયું. 1982 થી યુનેસ્કો દ્વારા વિશ્વ નૃત્ય દિવસ ઉજવવામાં આવે છે.
ડાન્સ થીમ આધારીત ડર્ટી ડાન્સીંગ, બિલી ઇલિયટ, બ્લેક સ્વાન અને ફુટલુઝ જેવી હોલીવુડ ફિલ્મો પણ ઘણી સફળ રહી હતી. નૃત્ય એક કસરતના ભાગરુપે સમજીને શરીર સ્વાસ્થ્ય માટે સારુ ગણાય છે. આનાથી સુગમતા, સંતુલન, સંકલન જેવી ઘણી બાબતો શીખવા મળે છે. નૃત્ય આપણને એરોબિક કસરત આપે છે. જેનાથી હ્રદય અને ફેફસાના ફાયદો થાય છે. માનસિક સ્વાસ્થ્યમાટે પણ નૃત્ય શારીરિક પ્રવૃતિના ફાયદા સાથે હોર્મોન્સમાં બદલાવ લાવીને તણાવ ઘટાડે છે. ડાન્સ નૃત્યના ફાયદામાં સૌથી સારી બાબત એ છે કે તે આપણી યાદ શકિત બુસ્ટ અપ કરે છે.
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ એ નૃત્યની વૈશ્ર્વિક ઉજવણી છે, દર વર્ષે 29 એપ્રિલના રોજ ઉજવણી થાય છે. આધુનિક બેલેના પ્રણેતા જીન જયોર્જ નોવરની જન્મજયંતી અવસરે આદિવાસી વિશ્વના 200થી વધુ દેશો ઉજવાય છે. વિવિધ કલાઓમાં નૃત્યકલા પણ આપણા દેશમાં વર્ષોથી પ્રચલિત છે. પ્રાચિન કાળથી રાજ દરબારમાં નર્તન કલાને વિશેષ દરજજો આપવામાં આવ્યો છે. 1982માં આઈ.ટી.આઈ.ની ડાંસ કમિટી દ્વારા 29મી એપ્રિલે આંતરરાષ્ટ્રીય ડાન્સ દિવસની ઉજવણી કરવાનું નકકી કરાયું.
નૃત્ય અને ડાન્સ શબ્દોમાં ભલે ફેર ન દેખાય પણ ભારતીય નૃત્ય કલાનાં વિવિધ પ્રકારો અને પાર્ટીમાં કે દાંડિયા રાસના ડાન્સ અવશ્ય જુદા પડી શકે છે. ભારત નાટયમ કે વિવિધ રાજયોનાં પારંપરીક નૃત્ય એ આપણી સંસ્કૃતિ છે. જીન જર્યોજ નોવરે જેનો સમયગાળો 1727 થી 1810 સુધીનો હતો. તે આધુનિક બેલે નૃત્યનાં પ્રણેતા કહેવાય છે. આપણે ત્યાં નૃત્યનાં પ્રકારોમાં કુચીપુડી ભારત નાટયમ, કથ્થક, ઓડીસી, કથ્થકકલી અને મણીપુરી જેવા વિવિધ નૃત્યનાં પ્રકારો છે આ બધાને ઈન્ડિયન કલાસિકલ ડાન્સ કે નૃત્ય કહેવામાં આવે છે. વૈશ્ર્વિક આઈટીઆઈ સંસ્થા દર વર્ષે શ્રેષ્ઠ કોરિયોગ્રાફર કે ડાન્સરનો એક સંદેશ દુનિયાભરમાં પ્રસારિત કરે છે. આથી પસંદગી નિયત કમિટી કરે છે. આ નૃત્ય સંદેશને વિશ્વની કેટલીય ભાષામાં અનુવાદ કરીને વૈશ્ર્વિક સ્તરે પ્રસારિત કરાય છે.
ઈન્ટરનેશનલ થિયેટર ઈન્સ્ટીટયુટ (આઈ.ટી.આઈ)નું મુખ્યાલય શાંધાઈ-ચીનમાં આવેલું છે. પેરીસમાં પણ આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન કાર્યરત છે. વૈશ્ર્વિક ન્યુઝલેટર દ્વારા વિવિધ કલા પ્રદર્શન અને તે પરત્વેનાં વિવિધ આયોજનો, પ્રોજેકટ, પરિયોજનાની માહિતી તેના સભ્ય દેશોને અપાય છે. આ દિવસની ઉજવણી મુળરૂ પથી દુનિયાભરમાં થતા વિવિધ આયોજન, કાર્યક્રમો અને તહેવારનાં માધ્યમથી નૃત્યની ભાગીદારી અને તેની શિક્ષાને પ્રોત્સાહિત કરવાનો હેતુ છે.
વૈશ્ર્વિક સ્તરે વિવિધ કાર્યક્રમો જેવા કે ઓપન, ડોર, કોર્સ, પ્રદર્શની, લેખ, સ્ટ્રીટ શો વિગેરે જેવાનું આયોજન થાય છે. આપણે ત્યાં ઉત્સવો સાથે નૃત્ય કલાને વર્ષોથી જોડેલ છે. સામાન્યજન સુધી પણ જનજાગૃતિનાં ભાગરૂ પે આપણી પ્રાચિન ધરોહર નૃત્ય કલાને વેગ મળે એ આશયથી પણ વિવિધ સંસ્થાનો કાર્યરત થઈને સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ આયોજન કરે છે. ભારતમાં વિવિધ રાજયોના લોક નૃત્ય કલા પણ વૈશ્ર્વિક લેવલે નોંધ લેવાયને સરાહના કરી છે. નૃત્યનાં વિવિધ આર્ટ સ્વરૂ પોમાં મહત્વનાં 10 પ્રકારો પ્રચલિત છે. તેથી આપણે કહી શકીએ કે સામાન્ય લોકોમાં નૃત્યનાં મહત્વ વિશે જાગૃતી લાવવા પણ આ દિવસે નૃત્યનાં યોગ્ય સ્થાન પ્રદાન કરવા વિશ્વભરની સરકારો કાર્યરત છે. ઓડિસી ડાન્સ:- આ નૃત્યની શુદ્ધ શાસ્ત્રીય શૈલી છે. મોહક મુદ્રાઓથી સમૃદ્ધ છે. આ નૃત્યમાં ભાવવાહી સાથે વાર્તાતત્વ હોય છે. ઓડિશાના મંદિરોમાં થતી પ્રાચિનકલા છે.
ભરત નાટયમ – તે સૌથી પ્રાચીન શાસ્ત્રીય પરફોર્મિંગ કલા છે. જે સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. આ નૃત્યના સ્વરૂપનું મુળ તામિલનાડુથી છે.
સમકાલિન ડાન્સ – તે થીમ સ્ટાઈલવાળા નૃત્ય સાથે સંકળાયેલ છે. એનું સ્વરૂપ આજે ચલણમાં છે.નિયો કલાસિકલ ડાન્સ – તે પરફોર્મિંગ આર્ટસનું નવિનતમ સ્વરૂપ છે. 2019ની વર્તમાન જીન એકસ સાથે મેળ ખાતી આધુનિક શૈલીથી ઓળખાય છે.
તાંડવ નૃત્ય – શિવતાંડવ નૃત્ય સ્વરૂપમાં પૌરાણિક કલા છે, જે ભગવાન શિવ સાથે સંબંધિત છે. જેમાં તેના વિવિધ સ્વરૂપોમાં ચિત્રિત કરવામાં આવેલ છે. કુચિપુડી નૃત્ય – મૂળ આંધ્રપ્રદેશની શાસ્ત્રીય નૃત્યકલા છે.
કથ્થક નૃત્ય – ભારતના અત્યાર સુધીના સૌથી આકર્ષક શાસ્ત્રીય નૃત્યમાંની એક કલા છે. આની ઉત્પતિ બનારસ, લખનઉ, જયપુર જેવા વિવિધ સ્થળોએ જોવા મળે છે.
ચૌ નૃત્ય – તે સ્ટેજ ડાન્સનું અર્થ શાસ્ત્રીય સ્વરૂપ છે અને તે ભારતીય ઉપખંડના પૂર્વ ભાગમાંથી શરૂઆત થઈ હતી.
કથકલી નૃત્ય – તે ડાન્સનું કલ્પિત સ્ટેજ આર્ટ ફોર્મ છે તે ભારતીય ઉપખંડનાં દક્ષિણ ભાગમાંથી ઉદભવેલ છે. આજ સુધીનાં સૌથી મુશ્કેલ નૃત્ય સ્વરૂપ માનવામાં આવે છે. મણિપુરી નૃત્ય – નામ ઉપરથી ખ્યાલ આવે કે તે મણિપુર રાજયનાં ઉતર-પૂર્વ ભાગમાંથી શરૂ થયેલ છે. તે એક જીવંત શાસ્ત્રીય નૃત્ય છે જે ભારતીય દેવી-દેવતાઓની શુદ્ધ ભારતીય પૌરાણિક કથાઓની આસપાસ ફરે છે.
આપણા દેશમાં પ્રાચીનકાળથી જ નૃત્યનું મહત્વ
ભારતીય સંસ્કૃતિમાં વિવિધ કલાઓ સાથે નૃત્ય કલાનો પણ ઘણો વિકાસ થયો છે. પ્રાચીન કાળથી જ આપણા દેશમાં નૃત્યનું મહત્વ રહ્યું છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર બ્રહ્માએ ભરતમુનિને નાટ્ય શાસ્ત્ર લખવા પ્રેરિત કર્યા હતા. આ શાસ્ત્રમાં નૃત્ય અને અભિનયને લગતા વિષયો સામેલ કર્યા હતા. ઋગ્વેદમાંથી પથ્ય અર્થાત શબ્દ, યજુર્વેદમાંથી અભિનય, સામવેદમાંથી ગીત અને અથર્વવેદમાં રસ લઈને બધાના સંગમથી આ ગ્રંથ લખાયો હતો જે, નાટ્યવેદ તરીકે ઓળખાય છે.