અબતક, શિવભાણસિંહ:
આજરોજ દેશની 3 લોકસભા અને 29 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી કરાઇ હતી. કયાક ભાજપ તો ક્યાક કોંગ્રેસે જીત મેળવી છે. આજરોજ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠકનું પણ પરિણામ હતું. જેમાં શરૂઆતથી જ શિવસેનાનું સૌથી ભારે પલડું જોવા મળ્યું હતું. શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરનો 51 હજાર મતોથી ભવ્ય વિજય થયો છે.
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને પ્રથમ વખત મહિલા સાંસદ મળશે. ઐતિહાસિક જીત પર કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કલાબેન ડેલકરે કહ્યું કે, જનતાએ સરમુખત્યારને હટાવવાનું મન બનાવી લીધું હતું, જીત બદલ જનતાનો આભાર માની તમામ વચનો પૂરા કરીશ તેમ જણાવ્યુ છે.
તેમણે વધુમાં કહ્યું કે ભાજપ-કોંગ્રેસને જનતાએ ઉથલાવી દીધી છે. અને મેં જે વચન આપ્યું છે તે ચોક્કસથી આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે. હું જનતા સાથે રહી તમામ પ્રશ્નો ઉકેલીશ. શિવસેના સાથે લડી તમામ વચનો પૂરા કરવાનો પૂરો પ્રયાસ કરીશ અને જે આશા સાથે જનતાએ મને સંસદમાં મોકલી છે, હું લડીશ અને તમામ વચનો પૂરા કરીશ.
જણાવી દઈએ કે, દાનહની આ બેઠક પર ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત અને શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. જો કે શરૂઆતથી જ શિવસેનાનું સૌથી ભારે પલડું જોવા મળ્યું હતું. તમામ રાઉન્ડમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર આગળ હતા. અંતિમ રાઉન્ડ- 24 સુધી કલાબેન ડેલકરને કુલ 117279 મત મળ્યા જ્યારે ભાજપ ઉમેદવાર મહેશ ગામીતને કુલ 66270 મત મળ્યા છે. શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર 51009 મતોની જંગી લીડથી જીત્યા છે.