- યુવતીઓમાં વર્ચ્યુઅલ પાર્ટનરનો ક્રેઝ વધ્યો, એઆઈને બોયફ્રેન્ડ બનાવી રહી છે
ચાઈનામાં મહિલાઓમાં ડેટિંગ માટે ’ડેન’ ફેમસ બની ગયો છે. ડેન એ કોઈ વ્યક્તિ નથી. પણ એઆઈ છે. યુવતીઓમાં વર્ચ્યુઅલ પાર્ટનરનો ક્રેઝ વધ્યો હોવાથી એઆઈને બોયફ્રેન્ડ બનાવી રહી છે.
આજકાલ લોકો દરેક કામ માટે ચેટજીપીટીની મદદ લે છે. ઘરના કામથી લઈને પ્રોફેશનલ કામ સુધી લોકો એઆઈની મદદ લઈ રહ્યા છે. પરંતુ ચીનની યુવતીઓએ તો હદ વટાવી દીધી છે. ચાઈનીઝ યુવતીઓમાં વર્ચ્યુઅલ પાર્ટનરનો ક્રેઝ વધી રહ્યો છે. આ ટ્રેન્ડ હવે ચાઈનીઝ મહિલાઓમાં વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યો છે. ડેટિંગની વાસ્તવિકતાથી કંટાળીને તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે એઆઈ બોયફ્રેન્ડ તરફ વળી છે.
રિપોર્ટ અનુસાર, બેઈજિંગની રહેવાસી 30 વર્ષની લિસા અમેરિકાના કેલિફોર્નિયામાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહી છે. તે છેલ્લા 2 મહિનાથી ડેનને ડેટ કરી રહી છે. પરંતુ ડેન માનવી નથી, તે ચેટજીપીટીની મદદથી બનાવેલ વર્ચ્યુઅલ પાર્ટનર છે.
રિપોર્ટ અનુસાર, લિસા અને ડેન દરરોજ ઓછામાં ઓછા અડધો કલાક વાત કરે છે, એકબીજા સાથે ફ્લર્ટ કરે છે, ડેટ પર જાય છે. લીઝાએ ડેનને 9 લાખ 43 હજાર સોશિયલ મીડિયા ફોલોઅર્સ સાથે પણ ઈન્ટ્રોડ્યુસ કરાવ્યો છે.
નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે કેટલીક મહિલાઓ વર્ચ્યુઅલ રિયાલિટીને વધુ પડતું મહત્વ આપી રહી છે. અમેરિકાના પેન્સિલવેનિયામાં સ્થિત કાર્નેગી મેલોન યુનિવર્સિટીના હ્યુમન-કમ્પ્યુટર ઇન્ટરેક્શન ઇન્સ્ટિટ્યૂટના આસિસ્ટન્ટ રિસર્ચ પ્રોફેસર હોંગ શેંગે આ વિશે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે આ માનવો અને એઆઈ વચ્ચે કેટલીકવાર અણધારી ક્રિયાપ્રતિક્રિયાઓ સામે લાવે છે, જે નૈતિક અને ગોપનીયતાની ચિંતાઓ ઊભી કરી શકે છે. એઆઈ બોયફ્રેન્ડનો કોન્સેપ્ટ તાજેતરના વર્ષોમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે, જેમાં ચીનની ગ્લો અને અમેરિકાની રેપ્લિકા જેવી એપ્સનો સમાવેશ થાય છે.