- ક્ષત્રિય સમાજના મત નહીં જ મળે તેવી ગણતરી સાથે ભાજપે ચૂંટણીની નવી વ્યુહ રચના ઘડી: ભાજપમાં રહેલા ક્ષત્રિય આગેવાનો સમાજ પાસે પોતાના કામનો હિસાબ આપી મત માંગશે
- કમિટેડ મતદારોને આકર્ષવાની રણનીતિ ક્ષત્રીય મતદારોની ઘટ અન્ય સમાજમાંથી સરભર કરવામાં આવશે
- હવે એક જ લક્ષ્યાંક ભાજપ તરફી મતદાન વધારો: ક્ષત્રિય સમાજના રોષને ભૂલી જાવ સુરત બેઠક બિનહરીફ થયા બાદ હાઇકમાન્ડ ઉત્સાહમાં
રાજકોટ લોકસભાન બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોતમભાઇ રૂપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ રાજયભરમાં ક્ષત્રીય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વારંવાર માફી માંગવા છતાં રોષ શાંત પડવાનું નામ લેતો નથી. રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગણી ન સંતોષાતા ક્ષત્રીય સમાજ દ્વારા આંદોલનનો બીજો તબકકો શરુ કરી દેવામાં આવ્યો છે. ડેમેજ કંટ્રોલ કરવા માટે સરકાર અને સંગઠન દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં ક્ષત્રીયો વટ છોડવા તૈયાર નથી. આવામાં હવે ભાજપે નુકશાની સરભર કરવા માટે નવી કવાયત શરુ કરી દેવામાં આવી છે.
રાજા રજવાડા અંગે ટીપ્પણી કર્યા બાદ ખુદ કેન્દ્રીય મંત્રી પરષોતમભાઇ રૂપાલા બે થી ત્રણ વાર બે હાથ જોડી ક્ષત્રીય સમાજની માફી ચૂકયા છે. પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે પણ બે ત્રણ વખત માફી માંગી છે. ક્ષત્રીય સમાજ એક જ માંગ પર અડગ હતો. કે ભાજપ દ્વારા રૂપાલાની ટિકીટ રદ કરવામાં આવે જો કે ભાજપે માંગણીનો સ્વીકાર કર્યા નથી. હવે ક્ષત્રીય સમાજે રૂપાલા સામે વિરોધમાં આંદોલન પાર્ટ-ર શરુ કરાયું છે. જેમાં રાજયભરમાં અસ્મિતા રથ શરુ કરવામાં આવ્યા છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવી અને પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા 14 લોકસભા બેઠકને આવરી લેતા ક્ષત્રીય આગેવાનો સાથે 10 જેટલી બેઠક કરવામાં આવી હતી. છતાં ક્ષત્રીયો કોઇ કાલે નમું તોળવા તૈયાર નથી.
ક્ષત્રીય સમાજના મતો હવે કમળને નહીં જ મળે તેવું માની ભાજપ દ્વારા હવે ચુંટણીની નવી જ વ્યુહ રચના ઘડી કાઢવામાં આવી છે. ડેમેજ કંટ્રોલ અને મનામણનો વિષય સંપૂર્ણ પણે પુરો કરી હવે ઘ્યાન વધુ મતદાન પર કેન્દ્રીત કરવા કાર્યકરોને તાકીદ કરવામાં આવી છે. વારંવાર માફી માંગયા છતાં વિવાદ સતત વકરી રહ્યો હોવાના કારણે હવે આ વિષયને સાઇડમાં મૂકી પક્ષ લેવલથી છોડી દેવાનું નકકી કરવામાં આવ્યું છે. ક્ષત્રીય સમાજના જે મતોની નુકશાની ભાજપને જવાની છે. તે મતો કયાંથી મેળવવા તેની ગણતરી માંડવામાં આવી રહ્યા છે. ભાજપ સાથે જોડાયેલા અન્ય પક્ષોને વધુ સાચવવામાં આવશે. બીજી તરફ ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રીય સમાજના નેતા અને આગેવાનોને પણ હવે એક લીટીનું હોમ વર્ક આપવામાં આવ્યું છે કે, તેઓએ સમાજ માટે કરેલા કામનો હિસાબ આપી મત માંગવામાં આવે તેવી તાકીદ કરાય છે.
સંગઠન અને સરકારમાં મજબુત પક્ષ ધરાવતા ક્ષત્રીય આગેવાનો સમાજ પર પોતાની પકક હોવાનું પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. ક્ષત્રીય સમાજના મતો ભાજપને નહી મળે અને આ મત કોંગ્રેસ કે અન્યને મળશે તેવી બેવડી ગણતરી કરી ભાજપે નવી ચુંટણી લક્ષી રચના બનાવી છે. બીજી તરફ પાટીદાર મતદારોના વર્ચસ્વવાળી સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બીન હરીફ જીત્યા બાદ પક્ષનો ઉત્સાહ વઘ્યો છે.
સુરતના સમીકરણો સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો પર ખુબ જ અગત્યનો ભાગ ભજવતા હોય છે. વિધાનસભા કે લોકસભાની ચુંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારો નકકી કરવામાં પણ સુરતના સમીકરણોને ઘ્યાનમાં લેવામાં આવતા હોય છે. સુરતના પાટીદાર મતદારો ભલે સૌરાષ્ટ્રની બેઠકોના મતદાર ન હોય પરંતુ સુરતથી લેવાતા તમામ નિર્ણયની અસર મતદાન પર ચોકકસ થતી હોય છે.
ક્ષત્રિય સમાજ હવે આંદોલનના બીજા તબકકાને દિન-પતિદિન વધુ વેગવાન બનાવી રહ્યા છે. તો સામા પક્ષે ભાજપ દ્વારા પણ આંદોલન કે રોષ પર વધુ ફોકસ ન કરવા કાર્યકરોને જણાવી દેવામાં આવ્યું છે. ભાજપના પરંપરાગત મતોના પોકેટ પર વધુ ઘ્યાન કેન્દ્રીત કરવા સુચના આપવામાં આવી છે. આવા પોકેટમાં મતદાનની ટકાવારી વધુ રહે તેવા પ્રયાસો કરવા કાર્યકરોને પરસેવા પાડયા તાકીદ કરવામાં આવી છે.
અમુક ટકા મતોની નુકશાની થશે જ એવું ફાઇનલ ગણી ભાજપ દ્વારા હાલ ચુંટણી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આંદોલન હાલ થોડુ નબળુ પડી ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ ક્ષત્રીય સમાજ ખુબ જ આયોજન બઘ્ધ રીતે આંદોલનને વેગવાન બનાવી રહ્યું છે. તેઓ માટે હવે વટ નો સવાલ બની ગયું છે. ભાજપે હવે એવું મન બનાવી લીધું છે કે ડેમેજ કંટ્રોલ કે મનામણાનો વિષય હવે પુરો કરી સંપૂર્ણ ઘ્યાન ચુંટણી પર ફોકસ કરવાનું નકકી કર્યુ છે.
ક્ષત્રીય સમાજના મતોની નુકશાની કયાંથી સરભર કરવી તેની વ્યહુરચના ગોઠવવામાં આવી રહી છે. જો રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ચુંટણી સભાનું આયોજન કરવામાં આવે તો એવો મેસેજ જાય કે રૂપાલા વિવાદના કારણે ભાજપ માટે અડિખમ ગઢ મનાતી રાજકોટ બેઠક પર પણ જોખમ ઉભુ થતા વડાપ્રધાને રાજકોટમાં ચુંટણી સભા યોજવી પડી આ કારણ કે ઘ્યાનમાં રાખી સુરેન્દ્રનગરમાં યોજનારી પીએમની જાહેરસભામાં રાજકોટને જોડી દેવામાં આવ્યું છે.
એક માત્ર પરષોતમભાઇ રૂપાલા હવે ચુંટણી પ્રચાર દરમિયાન સભાઓમાં ક્ષત્રીય સમાજને મોટું મન રાખી માફી આપી દેવા અનુરોધ કરવામાં આવે છે. ગઇકાલે પાટીલે પણ ક્ષત્રીય સમાજને બધુ ભૂલી જવા અનુરોધ કર્યો હતો. દરમિયાન આજથી હવે માફા-માફીનું આ ચેપ્ટર પુરુ કરી દેવામાં આવ્યું છે. હવે પરંપરાગત મતદારો મતદાનથી વંચિત ન રહે તેવી રણનીતી ઘડવામાં આવી રહી છે. ચુંટણી લડવા ઉમેદવારો અને સ્ટાર પ્રચારકો કે પ્રદેશ કક્ષાના નેતાઓને પણ તોળી-તોળીને નિવેદન આપવા સલાહ આપવામાં આવી છે.