વડોદરામાં ગુરુવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. જેમાં હરણી તળાવમાં શાળાના શિક્ષકો સાથે પ્રવાસે ગયેલાં બાળકોની બોટ પલટાતાં 12 બાળકો અને 2 શિક્ષિકાનાં મૃત્યુનો કરુણ બનાવ બન્યો હતો. ઘટના બાદ હવે તમામ વિભાગો હરકતમાં આવી ગયાં છે. પોલીસ દ્વારા કોટીયા પ્રોજેક્ટના અનેક હોદેદારો અને કર્મચારીઓ વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે અને તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. બીજી બાજુ ’ડેમેજ કંટ્રોલ’ સ્વરૂપે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા બેદરકારી બદલ કોટીયા પ્રોજેક્ટનો કોન્ટ્રાકટ તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવ્યો છે.
ગુનાહિત બેદરકારીના લીધે 12 માસુમ બાળકો સહિત 14 નિર્દોષ લોકોએ ગુમાવ્યો છે જીવ
આરોપ અનુસાર 14ની ક્ષમતાવાળી બોટમાં 26 બાળકો સહિત 34 લોકોને બેસાડી દેવાયા હતા અને મોટા ભાગનાં બાળકો સહિત લોકોને લાઇફ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા. બોટિંગ રાઇડ દરમિયાન બોટનું બેલેન્સ બગડતાં ઊંધી વળી જતાં દુર્ઘટના બની હતી અને 12 માસુમ બાળકો સહિત 14 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના વાઘોડિયા સ્થિત ખાનગી સ્કૂલ ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં ભૂલકાં શાળા દ્વારા આયોજિત પ્રવાસે ગયાં હતાં, જે દરમિયાન આ ઘટના બની હતી. ઘટના બાદ પોતાના વહાલસોયાં સંતાનોને ગુમાવનાર પરિવારજનોના હૈયાફાટ રુદનનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
જયારે અહેવાલ સામે આવ્યો છે કે, બોટમાં સવાર મોટાભાગના લોકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા ન હતા અને બોટની ક્ષમતા કરતા બમણાથી વધુ લોકોને બેસાડી લેવામાં આવ્યા હતા.
હવે આવું સામાન્ય રીતે પહેલીવાર નહિ બન્યું હોય કે, જયારે ક્ષમતાથી વધુ લોકોને બેસાડવામાં આવ્યા હોય અને લાઈફ જેકેટ સહિતના સંસાધનો આપવામાં ન આવ્યા હોય. આવું અગાઉ પણ બનતું જ હશે ત્યારે જો આ બાબતોની અગાઉ ખરાઈ કરવામાં આવી હોત તો કદાચ 12 માસુમ બાળકો સહિત 14 લોકોના જીવ ન ગયાં હોત તેવું કહી શકાય છે.
હાલ ઘટના બન્યા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશ્નરે તાત્કાલિક અસરથી બેદરકારી બદલ કોટીયા પ્રોજેક્ટનો કોન્ટ્રાકટ રદ્દ કરી દીધો છે.
ગુનાહિત બેદરકારી બદલ કોટીયા પ્રોજેક્ટના સંચાલકો સહિત 18 વિરુદ્ધ નોંધાયો છે ગુન્હો
લેકઝોનમાં બોટ રાઇડમાં મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો તથા કર્મચારીઓએ ત્યાં આવેલ બોટમાં વધુ સંખ્યામાં બાળકો અને શિક્ષિકાઓને બેસાડ્યાં હતાં. તથા રાઇડમાં યોગ્ય સમારકામ, મેન્ટનન્સ, લાઇફ જેકેટ, સેફ્ટીનાં સાધનો તેમજ સૂચના-જાહેરાત બોર્ડ લગાડ્યાં નહોતાં. હરણી લેકમાં બોટિંગ પ્રવૃત્તિના કોન્ટ્રેક્ટર મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો અને કર્મચારીઓ વિરુદ્ધ આરોપ કરાતાં લખાયું છે કે, બોટિંગ કરાવતા પહેલાં જરૂરી સૂચનાઓ નહોતી અપાઈ અને ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડાયાં હતાં. આ સિવાય અમુક બાળકોને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બેસાડી ગુનાહિત બેદરકારી અને નિષ્કાળજી દાખવતાં માનવજિંદગી જોખમાય તેની સંભાવના અને જાણકારીનો અહેસાસ હોવા છતાં બાળકો-શિક્ષકોનાં મૃત્યુ નિપજાવવા અને ઈજા પહોંચાડવાનો ગુનો કર્યો હતો. આ ઘટનાને અનુસંધાને મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો બિનિત કોટિયા, હરણી લેકઝોનના મેનેજર શાંતિલાલ સોલંકી અને બોટ ઑપરેટરો સહિત 18 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
હરણી તળાવ દુર્ઘટનામાં હાલ સુધી 6 શખ્સોની ધરપકડ
વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિગત આપતાં કહ્યું છે કે, અત્યાર સુધી છ લોકોની ધરપકડ કરાઈ છે. કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું, મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સ નામની કંપનીએ તળાવના વિકાસ ઉપરાંત નૌકાવિહાર અને અન્ય પ્રવૃત્તિઓ માટે વડોદરા મહાનગરપાલિકા પાસેથી કોન્ટ્રેક્ટ મેળવ્યો હતો. આ કંપનીમાં 15 ભાગીદારો છે અને તેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત લેક ઝોનના મેનેજર, બોટ ચલાવનાર અને સુરક્ષાની જવાબદારી નિભાવનારા અન્ય ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. દુર્ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની (એસ.આઈ.ટી) રચના કરાઈ હોવાનું પણ ગેહલોતે જણાવ્યું છે. એડિશનલ કમિશનરના નેતૃત્વમાં રચાયેલી આ એસએઆઈટીમાં બે ડિસીપી અને ક્રાઇમ બ્રાન્ચના એસીપી ઉપરાંત ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટરો અને કર્મચારીઓનો સમાવેશ કરાયો છે.