લોક રક્ષક દળની પરીક્ષા દરમિયાન દલિત સમાજના પરીક્ષાર્થીઓને રહેવા, જમવા, નાસ્તાની સુવિધા પુરી પાડનારી સંસ્થા અને તેના પ્રતિનિધિઓનું સન્માન કરાયું
રાજયભરમાં તાજેતરમાં યોજાયેલી લોકરક્ષક દળની પરીક્ષામાં લાખો પરીક્ષાર્થીઓ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં ગેરરીતિ નિવારવા એક જિલ્લાના ઉમેદવારોને બીજા જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર મુકવામાં આવ્યા હતા. આ પરીક્ષા દરમ્યાન પરીક્ષાર્થીઓ હેરાન ન થાય તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા પરીક્ષાર્થીઓ માટે રહેવા, જમવા, નાસ્તાની નિ:શુલ્ક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. રાજયભરમાં દલિત સમાજનાં પરીક્ષાર્થીઓ માટે આવી વ્યવસ્થાઓ કરનારી સંસ્થાઓ અને વ્યકિતઓનો સન્માન કરવાનો કાર્યક્રમ રાજકોટના એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો હતો.
શહેરના નાનામવા રોડ પર આવેલ ડો.આંબેડકર પ્રાર્થના હોલમાં યોજાયેલા આ સન્માન સમારોહમાં રાજયભરમાંથી આવેલા ૧૮૦ જેટલી સંસ્થાના પ્રતિનિધિઓનું મોમેન્ટો, શાલ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં રાજયભરમાંથી દલિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે ડો.જે.ડી.ચંદ્રપાલ સહિતના દલિત આગેવાનોએ ઉપસ્થિત રહીને પોતાના પ્રાસંગિક ઉદબોધનોમાં દલિત સમાજમાં શિક્ષણ વધારીને આવી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા પર ભાર મુકયો હતો.
ફાઉન્ડેશનના ટ્રસ્ટી સુરેશભાઈ બથવારે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો ઉદેશ અનુસુચિત જાતી સમાજના જે વિદ્યાર્થીઓએ અલગ-અલગ જીલ્લામાં જે પરીક્ષા આપવાની હતી અને એની અંદર અનુસુચિત જાતિના ગરીબથી મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ હેરાન ન થાય અને પરીક્ષા સારી રીતે આપી શકે એ ઉદેશ્યથી આખા ગુજરાતના અનુસુચિત જાતિના લોકોએ સ્વયંભુ રહેવાની, જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા કરી આપી હતી. જેથી સારી રીતે દિકરા-દિકરીઓ ઉર્તિણ થઈ શકે એટલે આ જે મહેનત બે-બે કરવી પડી એકવાર પરીક્ષા કેન્સલ થઈ બીજી વાર પરીક્ષા લેવાની હતી એ જે પરીક્ષાનું વહિવટ જે પરીક્ષામાં આવતા વિદ્યાર્થીઓને રહેવા, જમવાની વ્યવસ્થા કરી સમસ્ત કાર્યકરોનું આ તકે અમે સન્માન કર્યું છે. આખા ગુજરાતમાંથી તમામ આગેવાનોને બોલાવ્યા છે. ગુજરાતમાંથી કુલ ૧૮૦ લોકો આવ્યા છે જેનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું છે.