ટેમ્પલ કમિટીએ વીઆઇપી દર્શનનો નિર્ણય યથાવત રાખ્યો માત્ર નિયમો બદલયા: આસપાસના ગ્રામજનો આંદોલનના મૂડમાં
ડાકોરમાં બિરાજમાન રાજા રણછોડરાયજીના વી.આઇ.પી. દર્શન કરવા માટે ભાવિકોએ સેવકી અર્થાત ચાર્જ ચુકવવો પડશે. ટેમ્પલ કમિટી દ્વારા યુ-ટર્ન લેવામાં આવ્યો છે. વીઆઇપી દર્શનનો ચાર્જ નહી વસુલવાની બાહેંધરી આપ્યા બાદ માત્ર નિયમોમાં ફેરફાર કર્યા છે. આસપાસના ગામોના સરપંચોએ હવે રાજયવ્યાપી આંદોલન છેડવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતના જગ પ્રસિઘ્ધ પવિત્ર તિર્થધામ ડાકોરમાં બિરાજમાન રાજા રણછોડરાયજીના વીઆઇપી દર્શન માટે ટેમ્પલ કમીટી દ્વારા પુરૂષ દર્શનાથીઓ માટે રૂ. પ00 અને મહિલા દર્શનાર્થીના રૂ. 250 ચાર્જ નકકી કરવામાં આવ્યા હતા. ભગવાનના દર્શન કરવા માટે પણ ચાર્જ વસુલવાના નિર્ણય સામે રાજયભરમાં ભારે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો હતો ડાકોર આસપાસના ગામના સરપંચોએ વીઆઇપ દર્શન માટે ચાર્જ વસુલ કરવાનો નિર્ણય મોકુફ રાખવાની માંગણી કરવામાં આવી હતી. દરમિયાન ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા એવી બાંહેધરી આપવામાં આવી હતી કે, વીઆઇપી દર્શનનો નિર્ણય મોકુફ રાખવામાં આવશે આ અંગેની સત્તાવાર જાહેરાત પુનમ બાદ કરવામાં આવશે દરમિયાન ટેમ્પલ કમિટી દ્વારા યુ ટર્ન લેવામાં આવ્યો છે ડાકોર મંદિરમાં વીઆઇપી દર્શનનો ચાર્જ યથાવત રાખવામાં આવ્યો છે. વીઆઇપી દર્શનના ચાર્જમાંથી ડાકોર, ઠાસરા અને ઉમરેઠ એમ ત્રણ ગામના ભાવિકોને મુકિત આપવામાં આવી છે. આ ઉપરાંત ગર્ભવતિ મહિલાઓ બાળકો, વરિષ્ઠ નાગરીકો, શારીરિક રીતે અશકત લોકોને પણ ચાર્જમાંથી મુકિત આપવામાં આવી છે.
ટેમ્પલ કમિટીના આ નિર્ણયથી ભાવિકોમાં ભારોભાર નારાજગી વ્યાપી જવા પામી છે. દરમિયાન માત્ર ત્રણ ગામોને વીઆઇપી દર્શનના ચાર્જમાંથી મુકિત આપવામાં આવી હોય ડાકોરની આસપાસ આવેલા અન્ય ગામોના સરપંચોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. આગામી દિવસોમાં ડાકોરના ઠાકોરના વીઆઇપી દર્શનના ચાર્જ વસુલવાના નિર્ણય સામે રાજયવ્યાપી આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે રાજયભરમાં ભાવિકોમા કચવાટ જોવા મળી રહી છે.