ગુરૂવારથી વીઆઇપી દર્શનની સુવિધા શરૂ

પુરૂષ દર્શેનાર્થીએ રૂ.500 અને મહિલા ભાવિકો રૂ.250 ચૂકવવા પડશે

ભગવાનના દ્વારે નાના-મોટા, ગરીબ-તવંતર, ઉચ્ચ-નીચ કે નાત-જાતના ભેદભાવ હોતા નથી. પ્રભુના દ્વારમાં તમામ જીવોને એક સમાન દ્રષ્ટિથી જોવામાં આવતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારતમાં ખ્યાતનામ તિર્થધામોના વહિવટ સંભાળનારાઓએ પ્રભુના આંગણે આવતા ભાવિકોને પણ અમીર-ગરીબની કેટેગરી નક્કી કરી દેવામાં આવી છે. ડાકોરનાં ઠાકોરના વીઆઇપી દર્શન કરવા માટે હવે આગામી ગુરૂવારથી વ્યક્તિદીઠ પુરૂષ દર્શનાર્થીએ રૂા.500 અને મહીલા દર્શનાર્થીએ રૂ.250નો ચાર્જ ચૂકવવો પડશે. બાળકો માટે કોઈ ચાર્જ રહેશે નહીં. મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા વીઆઇપી દર્શન અંગેના નિર્ણયથી ભાવિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

ડાકોર મંદિરના પગલે પગલે ગુજરાતના અન્ય તિર્થધામો પણ હવે નિશ્ર્ચીત ચાર્જ વસુલી વીઆઇપી દર્શનની સુવિધા શરૂ કરે તેવી સંભાવના જણાય રહી છે. ડાકોરમાં બિરાજતા રણછોડરાયજીના મંદિરે દેશ-વિદેશમાંથી રોજ હજ્જારો ભાવિકો દર્શન માટે આવે છે. અહીં કાયમી ધોરણે ભક્તજનોનું ટ્રાફિક રહી છે. દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા હવે ભાવિકોની સુવિધા માટે વીઆઇપી દર્શનની સુવિધા શરૂ કરવામાં આવનાર છે. રાજા રણછોડરાયના વીઆઇપી દર્શન કરવા ઇચ્છુક ભાવિકો પાસેથી વ્યક્તિદીઠ પુરૂષ દર્શનાર્થીએ રૂા.500 અને મહીલા દર્શનાર્થીએ રૂ.250નો ચાર્જ ચૂકવવો પડશે.

આગામી ગુરૂવારથી ડાકોર સ્થિત રણછોડરાયજી મંદિર ખાતે વીઆઇપી દર્શનની સુવિધા શરૂ કરી દેવામાં આવશે. જો કે, આ સુવિધાથી સામાન્ય ભાવિકોને કોઇ અડચણ ન પડે તેનો પણ ખ્યાલ રાખવામાં આવશે. અલગ-અલગ “સમા” દર્શન ખૂલવાના થોડા સમય પહેલા વીઆઇપી દર્શનાર્થીઓને ભીતરમાં જ ભગવાનના દર્શન કરાવી દેવામાં આવશે. જેનાથી સામાન્ય દર્શનાર્થીઓને કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. નવી વ્યવસ્થા આવતા સપ્તાહથી શરૂ કરી દેવામાં આવશે.

સામાન્ય રીતે મંદિરમાં ભગવાનના દર્શન આવતા તમામ ભાવિકો માટે એક સમાન વ્યવસ્થા હોવી જોઇએ. આર્થિક રીતે સંપન્ન વ્યક્તિને ભગવાનના દર્શન કરવા માટે વિશેષ સુવિધા પ્રદાન કરવાની નીતિ ખરેખર ધર્મથી તદ્ન વિપરિત છે. કોઇપણ તિર્થધામનો હેતુ પૈસા કમાવવાનો ક્યારેય હોવો જોઇએ નહિં. પરંતુ અફસોસ હવે મંદિરોના વહિવટકર્તા પોતાની મુળભૂત વિચાર સરણથી વિમૂખ થઇ રહ્યા છે.

ડાકોર મંદિરમાં હવે વીઆઇપી દર્શનની સુવિધા શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં હવે ગુજરાતના અન્ય તિર્થધામો દ્વારા પણ વીઆઇપી દર્શનની સુવિધા શરૂ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.